મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. ધરતી લીલી ચાદર ઓઢીને સોનાવરણી બનીને લહેરાય રહી છે. ત્યારે મહેનત કશ ખેડુતો નવી, આશા, અપેક્ષાઓ કુદરત પાસે રાખીને બેઠા છે. જે ખેડુતોનો આધાર માત્ર ખેતી અને પશુપાલન છે. તેવા ધરતીના બળુકા સંતાનો માટે કુદરત અને ધરતીમાતા ચોક્કસ પોતાના હૈયાનું હેત પાથરશે. ખેડુતોને સમયસર ખાતર, દવા, પાણી, વિજળી અને સારૂ હવામાન કુદરતની મહેરબાનીથી મળી જાય તો મહેનત કરીને કાચુ સોનુ ઉપજાવી શકે છે. એ તાકાત ખેડુતોના બાવડામાં રહેલી છે.
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજયના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે જમીન બગડતી અટકે અને ખાતર, દવાના પૈસાની બચત થાય તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેના સારા પરીણામો પણ મળી રહ્યો છે. ખેતીએ પશુપાલન વ્યવસાય સિવાય શકય નથી. તમામ ધંધા, રોજગારમાં મંદી આવશે પણ પશુપાલન આધારીત દુધ અને તેનુ મુલ્યવર્ધન કરીને દુધની વિવિધ બનાવટોમાં કયારેય મંદી આવવાની નથી. ત્યારે ખેતીને આવકનું સાધન કે આધુનિક ખેતી હોય કે
પ્રાકૃતિક ખેતી હોય પશુપાલન સિવાય શકય નથી. ખેતીની જમીન એ ખેડુતોના દિકારાને વંશ પરંપરાગત મળતી હોય છે. એ જીવન નિર્વાહ પધ્ધતિ છે. તેને વ્યવસાયલક્ષી બનાવવા માટે પશુપાલન ખુબ જરૂરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના રપ વર્ષીય યુવાન ગામ-ગપાટા મારવા કરતા એન રોજગારીની શોધમાં ભટકવા કરતા પોતાના બાપ-દાદની ૧૦ વિઘા જમીનમાં ખેતી કરવાનું પસંદ કર્યુ. આ યુવા ખેડુતનું નામ છે કુલદિપ નિતિનભાઈ ઘડુક, જેનો અભ્યાસ ૧ર ધોરણ સુધીનો છે. કુલદિપના પિતા નિતિનભાઈ છેલ્લા ૮-૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. પોતાની જમીન રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી બગડે નહિ ઉપરાંત અનાજ, કઠોળ, શાકભાજી માટે ખાતર સારૂ અને શુધ્ધ મળી રહે તેવો આશય હતો. ઉપરાંત રાસાયણિક ખાતરો અને દવાઓના ખર્ચાઓ ઘટી જાય જાતે જ જીવામૃત, ઘન જીવામૃત અને વિવિધ વનસ્પતિઓના અર્ક બનાવી રોગ-જીવાત કંટ્રોલ કરે છે. કુલદિપ કહે છે. પોતાની દસ વિઘા જમીનમાંથી ૭ વિઘા જેટલી જમીનમાં ચોમાસા દરમ્યાન મરચી અને હળદરનું વાવેતર કરે છે. ગત વર્ષ ૩૦૦૦ કિલો મરચુ પાવડરનું વેચાણ કરેલ એક કિલોનો ભાવ રૂ.પપ૦ આસપાસ મળેલો હતો જયારે ૧૦૦૦ કિલો હળદરનું વેચાણ કરેલ જેમાં હળદરનો ભાવ રૂ.૩પ૦ આસપાસ મળેલ હતો. શિયાળામાં ચણાનું વાવેતર કરે છે. ચાલુ વર્ષ તેમાંથી મુલ્યવર્ધન કરવાનું પ્લાન છે. ઉનાળામાં જમીનને ખેડીને પડતર રહેવા દે છે. આમ જમીનને આરામ આપે છે. રામ જાણે ખેડૂતોના મન ટુંકા થતા જાય છે. ભૂતકાળમાં દાદા-પરદાદા ખેતી કરતા હતા ત્યારે શેઢે પાળે એવા ફળાવ ઝાડ વાવતા કે વાડીએ જાય એટલે કંઈક ખાવાનું મળી રહે. જી.સી.બી. આવતા શેઢા-પાળાના વૃક્ષોનુ નિકંદન નિકળી ગયુ પરંતુ કુલદિપે પોતાના શેઢા ઉપર ફળાવ વૃક્ષો સાથે આમળાનું વાવતેર કર્યુ છે. ઓછાપાણી અને દવા વિના આમળાનું ઉત્પાદન મેળવી શકાય છે. ૧પ૦ ઝાડ છે. એક ઝાડ ઉપરથી વર્ષ દરમ્યાન ર૦૦ કિલો ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત ૩૦ જેટલી ગીર ગાયો છે. બ્રિડ સંવર્ધન માટે રાખેલો બુલ તેની િંકંમત અંદાજે ૧૬થી ૧૭ લાખ છે. આ બુલની બ્રિડ લાઈન ભાવનગર તોગડીયા કહેવાય છે. કુલદિપ ઓનલાઈન ખેત પેદાશો તો વહેચે છે પરંતુ એ-ર ઘી એક લીટર રર૦૦ રૂપિયાના ભાવથી વહેચે છે. આ સફળતામાં તેનો કોઈ માલિક નથી. સમયસર નોકરી – ધંધાએ ન જાય તો ઠપકો મળતો હોય છે. કુલદિપ કહે છે અહિં ઠપકો નથી. ખેડુતનો દિકરો છું. નોકરી કરતા આધુનિક ખેતી કરીશ અને મારો માલીક હું પોતે જ. કુલદિપ ધડુકનો સંપર્ક નં.૭૦૧૬૬૧૬૧૦પ છે.
:: તિખારો::
“વિશ્વાસ એ એવો દીવો છે, જે અંધકારમાં પણ પ્રકાશ આપે છે. ભરોસો એ એવો સંબંધ છે, જે દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. આશા એ એવી શક્તિ છે, જે થાકેલા મનને ફરી ઊભું થવાની હિંમત આપે છે. જ્યાં વિશ્વાસ, ભરોસો અને આશા જીવંત હોય છે, ત્યાં કોઈ પણ સંઘર્ષ મોટો લાગતો નથી અને સફળતાનો માર્ગ જરૂર ખુલે છે.”










































