કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને કૌશલ્ય વિકાસ, ઉદ્યોગજગતનો અનુભવ અને રોજગારીની વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના હેઠળ ૧૮થી ૨૫ વર્ષના ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઈટીઆઈ, પોલિટેકનિક ડિપ્લોમા અથવા સ્નાતક થયેલા તેમજ પરિવારની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયાથી ઓછી હોય તેવા યુવાનો અરજી કરી શકશે. આગામી પાંચ વર્ષ દરમિયાન દેશના એક કરોડ યુવાનોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપનો લાભ આપવાનો સરકારનો હેતુ છે. યોજનાથી યુવાનોને વ્યવહારુ અનુભવ સાથે રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થશે. વધુ માહિતી અને ઓનલાઈન નોંધણી માટે ઉમેદવારો સત્તાવાર પોર્ટલ https://pminternship.mca.gov.in પર અરજી કરી શકે છે, તેવી માહિતી આઈટીઆઈ અમરેલી દ્વારા આપવામાં આવી છે.