ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કાર્યાલય (NSO) દ્વારા દેશના વિકાસ અને નીતિ નિર્માણ માટે ઓગસ્ટ મહિનામાં અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મહત્વપૂર્ણ સર્વેક્ષણો હાથ ધરવામાં આવશે. પ્રશિક્ષિત અધિકારીઓ ‘e-Sigma’ સોફ્‌ટવેરથી સજ્જ ડિજિટલ ટેબ્લેટ અને સુરક્ષિત વેબ પોર્ટલ મારફતે માહિતી એકત્રિત કરશે. સાવરકુંડલાના વિજપડી ગામે ઋણ, રોકાણ અને કૃષિ પરિવારોની સ્થિતિ અંગે સર્વે થશે, જ્યારે ધારીમાં સ્થળાંતર અંગે માહિતી મેળવાશે. કુંકાવાવ-વડિયા, લાઠીના આસોદર અને રાજુલા શહેરમાં રોજગાર અને શ્રમબજાર સંબંધિત આવર્તક શ્રમબળ સર્વેક્ષણ હાથ ધરાશે. રાજુલા તાલુકાના ડુંગર ખાતે બિન-નિગમિત ઉદ્યોગોનું સર્વેક્ષણ કરવામાં આવશે, જ્યારે ડુંગર, ચિતલ, અમરેલી, ચમારદી અને બાબરામાં ગ્રાહક ભાવ સૂચકાંક માટે ભાવની માહિતી એકત્રિત થશે.