૧૩૦ ખેડૂતોની મહેનતને મળ્યું બજારનું મજબૂત પ્લેટફોર્મ, પ્રાકૃતિક ખેતી સાથે વેલ્યુ એડિશન કરીને દર મહિને રૂ. ૬ થી ૭ લાખનું વેચાણ
અલ નીનોની અસરને કારણે ચાલુ વર્ષે ઓછા વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જ્યાં થોડીઘણી પિયતની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ખેડૂતોએ શિયાળુ વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે. હકીકતમાં ખેડૂત હંમેશાં કુદરતના ભરોસે ખેતી કરતો આવ્યો છે.
અનેક વિષમ પરિસ્થિતિઓ, કુદરતી આફતો અને આર્થિક પડકારો વચ્ચે પણ ખેડૂત પોતાની ખેતીનો વ્યવસાય છોડતો નથી. ખેતી માત્ર આવક મેળવવાનું સાધન નથી, પરંતુ જીવન નિર્વાહની એક પધ્ધતિ અને આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ છે.
આજે ખેતીને આધુનિક મોડેલ સાથે જોડીને વધુ સમૃધ્ધ અને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતના ખેતરમાં અનાજનો ઢગલો પડ્યો હોય અને કોઈ સાધુ-સંત આવીને ઊભા રહે તો ખેડૂત એ ઢગલામાંથી સૂંડલો ભરીને તેમની ઝોળીમાં નાખી દે છે. આ છે ખેડૂતનું વિશાળ હૃદય અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર. આજે આવા જ ઉદાર હૃદયના અને ખેતીમાં નવી દિશા ચીંધનારા એક ખેડૂતની વાત કરવી છે.
ભાવનગર જિલ્લાના અકવાડા ગામના ખેડૂત શ્રી હમીરભાઈ સવજીભાઈ બારૈયા પાસે પોતાની માત્ર ૧૦ વીઘા જમીન છે. પરંતુ ખેતી પ્રત્યેની લગન અને મહેનતના આધારે તેઓ ૫૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ આશરે ૧૦૦ વીઘા જમીન ભાડે રાખીને ખેતી કરે છે.
પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજીવ દીક્ષિતજીના વિચારો અને સૃષ્ટિ સંસ્થાના સંપર્કમાં આવ્યા બાદ હમીરભાઈએ વર્ષ ૨૦૧૦ થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેઓ માને છે કે ધરતીનું સ્વાસ્થ્ય જાળવવાની સાથે માનવીનું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી પણ ખેડૂતોની છે. કારણ કે જમીન સારી હશે તો જ માનવજીવન અને પર્યાવરણનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ વિચારને તેમણે માત્ર પોતાના ખેતર પૂરતો મર્યાદિત રાખ્યો નથી, પરંતુ અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.
આ હેતુથી તેમણે ‘વસુંધરા’ નામનું ખેડૂત સંગઠન ઊભું કર્યું. આ ગ્રુપમાં આજે આશરે ૧૩૦ ખેડૂતો જોડાયેલા છે. આ ખેડૂતો પરંપરાગત બિયારણ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે. એટલું જ નહીં, ખેડૂતોને પોતાની ખેતપેદાશોના વેચાણ માટે બજારમાં ભટકવું ન પડે તે માટે વસુંધરા ગ્રુપ દ્વારા બજારભાવ કરતાં આશરે ૨૦ ટકા વધુ ભાવ આપીને ખેડૂતોની તમામ ખેતપેદાશોની ખરીદી કરવામાં આવે છે.
હમીરભાઈના જણાવ્યા અનુસાર, વસુંધરા ગ્રુપમાં ખેડૂતોની પસંદગી કરતી વખતે ખેતી પ્રત્યેની નિષ્ઠા, સ્વાવલંબન અને વ્યસનમુક્ત જીવનશૈલીને પણ મહ¥વ આપવામાં આવે છે. એટલે કે આ સંગઠન માત્ર પ્રાકૃતિક ખેતીનું જ નહીં, પરંતુ સ્વસ્થ ખેડૂત અને સ્વસ્થ સમાજનું પણ એક અભિયાન ચલાવી રહ્યું છે.
વસુંધરા ગ્રુપની વિશેષતા માત્ર ખેતપેદાશોની ખરીદી પૂરતી નથી. ખેડૂતોની પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને તેને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનું વ્યવસ્થિત માળખું પણ ઊભું કરવામાં આવ્યું છે. ‘વસુંધરા’ બ્રાન્ડ હેઠળ પહેલાં પરંપરાગત દેશી ખાંડણીમાં મસાલા ખાંડવાની પધ્ધતિ અપનાવવામાં આવતી હતી. ત્યારબાદ આધુનિક ખાંડણી મશીનો દ્વારા મસાલાનું પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું. મસાલાની ગુણવત્તા, સુગંધ, રંગ અને પોષકત¥વો જળવાઈ રહે તે બાબતને વિશેષ મહ¥વ આપવામાં આવે છે.
આ ઉપરાંત લાકડાની ઘાણી દ્વારા મગફળીનું શુધ્ધ તેલ કાઢીને તેનું વેચાણ કરવામાં આવે છે. ગ્રુપ દ્વારા દાળ મિલ, ફ્લોર મિલ તેમજ અનાજ અને કઠોળના ગ્રેડિંગ, ર્સોટિંગ અને પેકિંગ માટેનાં યુનિટ પણ શરૂ કરવામાં આવ્યાં છે.
આમ, એક તરફ ૧૩૦ ખેડૂતો પાસેથી ખેતપેદાશોની ખરીદી થાય છે અને બીજી તરફ તેનું પ્રોસેસિંગ, પેકિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થામાં ખેડૂત માત્ર કાચો માલ પેદા કરનાર રહેતો નથી, પરંતુ ઉત્પાદનની કિંમત નક્કી કરવામાં અને બજારની આવકમાં ભાગીદાર બને છે.
હમીરભાઈ જણાવે છે કે સૃષ્ટિ સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે દર ગુરુવાર અને રવિવારે પ્રાકૃતિક હાટનું આયોજન કરવામાં આવે છે. તેમાં વસુંધરા બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટ્સ વેચાણ માટે મૂકવામાં આવે છે. આ માધ્યમથી દર મહિને અંદાજે રૂ. ૬ થી ૭ લાખનું વેચાણ થાય છે.
ખરેખર, આ મોડેલ આજના ખેડૂતો માટે વિચારવા જેવું છે. ખેતીમાં ઉત્પાદન કરવું જેટલું મહ¥વનું છે તેટલું જ મહ¥વ ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મેળવવાનું છે. જો ખેડૂતો સંગઠિત થાય, પોતાની પેદાશોનું પ્રોસેસિંગ કરે, પોતાની બ્રાન્ડ ઊભી કરે અને ગ્રાહકો સાથે સીધું જોડાણ સ્થાપે તો ખેતીને વધુ નફાકારક બનાવી શકાય
આભાર – નિહારીકા રવિયા છે.
ખેડૂતના હાથમાં માત્ર હળ નહીં, પરંતુ ઉત્પાદનથી લઈને માર્કેટિંગ સુધીની સમગ્ર વ્યવસ્થાની લગામ આવે ત્યારે જ સાચા અર્થમાં ખેડૂત આત્મનિર્ભર બને છે.
હમીરભાઈ સવજીભાઈ બારૈયાનું વસુંધરા ગ્રુપ આ દિશામાં એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. આજે ખેતીમાં આવી પહેલોની ખૂબ જરૂર છે. કારણ કે ખેડૂત પોતાની મહેનતથી અનાજ પકવે છે, પરંતુ જ્યારે એ જ ખેડૂત પોતાની પેદાશનું મૂલ્યવર્ધન કરીને પોતાની બ્રાન્ડથી વેચાણ કરે છે ત્યારે તેની આવક, આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠા ત્રણેયમાં વધારો થાય છે.
આ જ છે આધુનિક ખેતીનું સાચું સ્વરૂપ અને ખેડૂતોની સમૃદ્ધિનો નવો માર્ગ. હમીરભાઇ સવજીભાઈ બારૈયા નો સંપર્ક નંબર ૯૭૨૩૪ ૪૩૬૨૩ છે.
:: તિખારો ::
આજ સુધી અનેક વખત ભરોસાઓ તુટ્યા છે છતાં ભરોસો કરવાની આદત નથી છુટતી, કારણે કે વિશ્વાસનો ભાર કોઈ આપણા ઉપર મુકી શકે એ જ ખાનદાની છે.આ ખાનદાની દરેકના લોહીમાં હોતી નથી.













































