આપણા ગામડામાં એક વાત બહુ જાણીતી છે કે “ધરતી માતા કદી કોઈને ભૂખ્યો સુવડાવતી નથી.” ખેડૂત માટે ધરતી માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ એ એની માતા છે. આ જ ધરતી માં ખેડૂત પોતાના પરસેવાનું સિંચન કરે છે, બીયારણ વાવે છે, આશા વાવે છે અને આખા સમાજ માટે અનાજ પેદા કરે છે. એટલે ખેડૂતની સાચી સંપત્તિ એની જમીન છે. પરંતુ આજે સમય આપણને એક સવાલ પૂછે છે કે જે ધરતી માતા વર્ષોથી આપણને ખવડાવે છે, એની આપણે કેટલી કાળજી રાખી છે?
આપણા બાપદાદાના જમાનામાં ખેતી કુદરત સાથે ચાલતી હતી. ખેતરમાં પશુનું છાણ-મૂત્ર કામ આવતું, પાકના અવશેષો ખેતરમાં પાછા જતા, પાકની ફેરબદલી થતી અને જમીનને પણ આરામ આપવામાં આવતો. ખેતીનો અર્થ માત્ર પાક લેવાનો ન હતો, પરંતુ જમીનને જીવતી રાખવાનો પણ હતો સમય બદલાયો, ખેતીની પધ્ધતિઓ બદલાઈ અને ઉત્પાદન વધારવાની દોડમાં રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ વધતો ગયો.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો યોગ્ય અને ભલામણ મુજબનો ઉપયોગ આધુનિક ખેતીમાં ચોક્કસ ઉપયોગી છે, પરંતુ જરૂર કરતાં વધારે અને અયોગ્ય ઉપયોગ ચિંતાનો વિષય છે. “વધારે ખાતર નાખીએ તો વધારે પાક થશે” અને “દવા વધારે નાખીએ તો જીવાત જલદી મરી જશે” એવી માનસિકતા ધીમે ધીમે ખેતી માટે નુકસાનકારક બની શકે છે. ઘણી જગ્યાએ જમીનની કુદરતી તંદુરસ્તી ઘટી રહી છે, સજીવ પદાર્થનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો તથા અળસિયાની સંખ્યા ઉપર પણ અસર જોવા મળી શકે છે.
એક સમય એવો હતો કે ખેડૂત હાથમાં માટી લઈને એની તાસીર ઓળખી લેતો. આજે ક્યાંક એવી સ્થિતિ ઊભી થઈ છે કે જમીનને જીવંત રાખવા માટે પણ બહારથી વધુને વધુ વસ્તુઓ ખરીદવી પડે છે. ખાતરનો ખર્ચ વધે છે, દવાનો ખર્ચ વધે છે, પાણીનો ખર્ચ વધે છે અને મજૂરીનો ખર્ચ વધે છે. પાકનો ભાવ બજાર નક્કી કરે છે અને ખર્ચનો બોજ ખેડૂતના માથે આવે છે. એટલે ખેતીનું ગણિત દિવસે દિવસે કઠિન બનતું જાય છે.
વાત માત્ર જમીનની નથી. ખેતરમાં જે પાકે છે એ આપણા ઘરના રસોડામાં આવે છે. જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ ખેડૂત અને ખેતમજૂરો માટે આરોગ્યના જોખમો ઊભા કરી શકે છે અને ખાદ્યપદાર્થોમાં દવાના અવશેષો રહેવાની શક્યતા પણ યોગ્ય ઉપયોગની જરૂરિયાતને સમજાવે છે. તેથી દવાનો ઉપયોગ કરવો પડે ત્યારે લેબલ મુજબની માત્રા, યોગ્ય સુરક્ષા સાધનો અને પાક કાપણી પહેલાંના જરૂરી સમયગાળાનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ કે ખેડૂત પણ સુરક્ષિત રહે, જમીન પણ તંદુરસ્ત રહે અને ગ્રાહકને પણ ગુણવત્તાયુક્ત ખોરાક મળે.
આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની વાત માત્ર એક ખેતી પધ્ધતિ તરીકે નહીં, પરંતુ વિચારધારા તરીકે સમજવાની જરૂર છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ જમીનનું સ્વાસ્થ્ય, પાણીનું સંરક્ષણ, ટકાઉ ખેતી અને ખેડૂતોની આવક વધારવા જેવા વિષયો પર સતત ભાર મૂકે છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ષોથી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો અને પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોને સફળ બનાવવામાં સરકાર જેટલી મહત્વની છે, એટલો જ મહત્વનો ખેડૂતનો પોતાનો સંકલ્પ છે.
પ્રાકૃતિક ખેતીનો અર્થ એવો નથી કે આજે દવા અને ખાતર બંધ કરી દઈએ અને કાલથી બધું બદલાઈ જાય. દરેક જમીન, દરેક પાક અને દરેક ખેડૂતની પરિસ્થિતિ અલગ હોય છે. એટલે સમજપૂર્વક અને તબક્કાવાર આગળ વધવાની જરૂર છે. જમીનનું પરીક્ષણ કરાવવું, પાક વૈવિધ્ય અપનાવવું, સજીવ પદાર્થ વધારવો, પાકના અવશેષોનો યોગ્ય ઉપયોગ કરવો, મલ્ચિંગ કરવું, પાણીની બચત કરવી અને ખેતરમાં ઉપલબ્ધ સ્થાનિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો આવી પધ્ધતિઓને પોતાની પરિસ્થિતિ પ્રમાણે અપનાવી શકાય છે.
પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો લાભ એ છે કે આપણે ખેતીને ફરી કુદરત સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ. જમીનમાં સજીવ પદાર્થ વધે, પાણી પકડી રાખવાની ક્ષમતા સુધરે અને ખેતરમાં જૈવિક વૈવિધ્ય વધે તો લાંબા ગાળે જમીનને તંદુરસ્ત રાખવામાં મદદ મળી શકે છે. સાથે સાથે જો ખેડૂત પોતાની પેદાશનું ગ્રેડિંગ, પેકિંગ, પ્રોસેસિંગ અને સીધું માર્કેટિંગ કરે તો ઉત્પાદનમાંથી વધુ મૂલ્ય મેળવવાની નવી તકો પણ ઊભી થઈ શકે છે.
આપણે આપણા દીકરા-દીકરીને પૈસા અને મિલકત આપવાની ચિંતા કરીએ છીએ, પરંતુ આવતી પેઢીને તંદુરસ્ત જમીન આપવાની ચિંતા પણ એટલી જ જરૂરી છે. જે જમીન આપણા બાપદાદાએ આપણને સોંપી હતી, એ જમીન વધુ સારી બનાવીને આગળની પેઢીને આપવી એ આપણી જવાબદારી છે.
આથી આજે જરૂર છે કોઈ મોટા નારા કરતાં એક નાના નિર્ણયની. આખું ખેતર એકસાથે બદલવાની
જરૂર નથી. એક વીઘામાં પ્રયોગ કરીએ, પરિણામ જોઈએ, અનુભવ લઈએ અને સફળતા મળે તો ધીમે ધીમે વિસ્તાર વધારીએ. ખેડૂત ખેડૂત પાસેથી શીખે અને ગામનું એક ખેતર બીજા ખેતર માટે પ્રેરણા બને તો પરિવર્તન ચોક્કસ આવી શકે.
છેવટે વાત એટલી જ છે કે જમીન માત્ર આજે પાક લેવા માટે નથી; આવતીકાલની ખેતી માટે પણ છે. ધરતી માતા આપણને પેઢીઓથી આપતી આવી છે, હવે એને કંઈક પાછું આપવાનો સમય છે.ખેતીને આવક કરતી કરવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ ધીમે ધીમે આગળ વધવું પડશે અને પશુપાલન અપનાવી પશુપાલન વ્યવસાય ને મુખ્ય વ્યવસાય તરીકે લેવો પડશે.
જમીન બચાવવી છે તો એને જીવંત રાખવી પડશે, ખેતી બચાવવી છે તો ખેડૂતનો ખર્ચ અને જમીનની તંદુરસ્તી બંને બચાવવા પડશે અને આવતી પેઢી બચાવવી છે તો આજે જ કુદરત સાથેની ખેતી તરફ એક સમજદાર પગલું ભરવું પડશે. ધરતી માતાને થકવવી નથી, એને ફરી જીવંત કરવી છે. પોતાના પરિવાર ની જરૂર મુજબ વાવેતર કરી ને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું છે.

: તિખારો:
ખોટી ભીડનો હિસ્સો બનીને ધેટાંની લાઇનમાં ચાલી તમારૂ જમીર, આત્માને મારીને કંઈક મેળવી લેવાની ઇચ્છાથી ક્ષણિક વધારાનું મળી જ જાય છે,પણ ટકતું નથી માટે આત્મ વિશ્વાસ સાથે સફળ થવા એકલા ચાલવું પડે તો ચાલવુ, કંઇક મળે કે ના મળે પણ કોઈ આંગળી નહીં ચિંધે કે ખોટો છે કે દગાખોર છે.