ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને સંતોષવા માટે એક વ્યાપક અને આક્રમક આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના લાખો શિક્ષકો હવે જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના અને ટેટ પરીક્ષામાંથી મુક્તિ જેવા મહત્વના મુદ્દે સરકાર સામે આરપારની લડાઈ લડવા તૈયાર થયા છે. આ વિરોધ પ્રદર્શન માત્ર ગુજરાતના જિલ્લા મથકો પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં જંતર-મંતર અને સંસદ સુધી પહોંચશે.
આજે મળેલી બેઠકમાં આ આંદોલનકારી પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને પગલે ૨૦૧૦ પહેલાના સેવાકીય શિક્ષકો માટે પણ ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાનો મુદ્દો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સંઘની મુખ્ય માંગણી છે કે રાઈટ ટુ એજ્યુકેશન કાયદાના અમલીકરણ પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપી રાહત આપવામાં આવે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓની જૂની અને અનિવાર્ય માંગ એવી જૂની પેન્શન યોજનાને તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે.
આ આખા વિરોધ પ્રદર્શનને અંગે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ત્રણ તબક્કામાં વહેંચ્યા હોવાની જાહેરાત કરી છે. એટલે કે પ્રથમ તબક્કા અનુસાર ૫ સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસે જ શિક્ષકો દ્વારા બ્લેક ડે મનાવી વિરોધ નોંધાવાશે. જેમાં રાજ્યભરના શિક્ષકો પોતાના હાથ પર કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. જ્યારે ૬થી ૯ ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે ઝોનલ કક્ષાના ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આ આંદોલનમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલતું હશે, ત્યારે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરના વિશાળ ધરણાં યોજી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી ઉગ્ર કરશે. આમ શિક્ષકોના ભાવિ સાથે જોડાયેલા આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સંઘે મક્કમ નિર્ધાર કરીને આગામી દિવસોમાં વિરોધ અંગે રણનીતિ ઘડવામાં આવી છે.