અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા અમરેલી જિલ્લાની મૂક-બધિર શાળાના વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન પર્વની હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એન.એસ.એસ.ની વિદ્યાર્થિનીઓએ મૂક-બધિર શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધીને પ્રેમ, લાગણી અને આત્મીયતાનો સંદેશ આપ્યો હતો. આ ઉજવણી થકી વિદ્યાર્થિનીઓએ ‘સેવા પરમોધર્મઃ’ની ભાવનાને જીવંત કરી સમાજ સમક્ષ માનવતા અને સમાનતાનો સુંદર સંદેશ પ્રસ્તુત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કાલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. વિલાસબહેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ આૅફિસર ડા. નિરૂપા ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મૂક-બધિર શાળાના પ્રિન્સિપાલ વિશાલભાઈ જોશી, વ્યવસ્થાપક રઘુભાઈ ભટ્ટ તેમજ શિક્ષકગણ ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ગળધરા, ધારાબહેન અને દર્શનાબહેને સક્રિય સહકાર પૂરો પાડ્‌યો હતો.