અમરેલીના ગજેરા કેમ્પસમાં રક્ષાબંધન પર્વની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈઓને કંકુ-ચોખાનું તિલક કરી આરતી ઉતારી રક્ષાસૂત્ર બાંધી સુખી અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. ભાઈઓએ પણ બહેનોની રક્ષા અને સન્માનનો સંકલ્પ લીધો હતો. કેમ્પસના મહિલા સ્ટાફે પુરુષ સ્ટાફને પણ રક્ષાસૂત્ર બાંધી સ્નેહ અને સૌહાર્દની ભાવના વ્યક્ત કરી હતી. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ૪૦ ફૂટ લાંબી રાખડી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, કેમ્પસ માત્ર શિક્ષણનું સ્થળ નહીં, પરંતુ પરિવાર સમાન છે. સમગ્ર કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.