કપાસ એ સૌરાષ્ટ્ર વિસ્તારનો મહત્વનો રોકડીયો પાક છે. ખેડૂતો કપાસના પાકને “સફેદ સોનું” પણ કહે છે. દેશના અર્થકરણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે. કપાસ ભારત અને મુખ્યત્વે ગુજરાતમાં કાપડ ઉધોગમાં આગવું સ્થાન ધરાવે છે. કપાસની માંગ અને ભાવ વધતા આ પાકનો વાવણી વિસ્તાર વર્ષો-વર્ષ વધી રહ્યો છે. કપાસમાં જીંડવા કોરી ખાનાર ઈયળો જેવી કે લીલી ઈયળ, કાબરી ઈયળ અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળતો હતો જેથી તેના નિયંત્રણ માટે ભારતમાં ૨૦૦૨ના વર્ષમાં બીટી કપાસનું આગમન થયું અને ત્યારબાદ કપાસમાં જીંડવા કોરી ખાનાર ઈયળોનો ઉપદ્રવ મહદઅંશે નહીવત પ્રમાણમાં જોવા મળેલ છે જેને લીધે બીટી કપાસ ખેડૂતોમાં ખુબજ પ્રચલિત થતો ગયો. પહેલા જે ખેડૂતો જીવાત નિયંત્રણ માટે ૧૨-૧૫ વખત ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા એ ખેડૂતો બીટી કપાસના આગમન બાદ પાંચ થી છ વખત છંટકાવ કરવા લાગ્યા. કપાસની ખેતીમાં બદલાતા જતાં પરીબળો જેવા કે, વાતાવારણીય ફેરફારો, નવી જાતોની આડેધડ વાવણી, સમગ્ર રાજ્યમા બીટી કપાસનુ મોટા પાયે વાવેતર (Mono Cropping), જંતુનાશક દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વિગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. અને તેમાંય દર વર્ષે ગુજરાત રાજયના મોટાભાગના વિસ્તારોમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કપાસમાં આ જીવાત દ્વારા ૫ થી ૮૦% જેટલું નુંકશાન નોધાયેલ છે. આવી પરીસ્થીતીમાં જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો આ જીવાતનો મોટી સંખ્યામાં ફેલાવો થઈ શકે જેથી આ પાકમાં મોટી ઉત્પાતનું જોખમ સર્જાઈ શકે. જેથી આ જીવાતની ઓળખ અને તેના નુકશાનના ચિન્હો વિશે જાણવું જરૂરી છે.
• ગુલાબી ઇયળનું જીવનચક્ર અને ઓળખઃ આ રોમ પક્ષ વર્ગની જીવાત પોતાના જીવનકાળ દરમ્યાન ઈંડા, ઈયળ, કોશેટા અને પુખ્ત એમ કુલ ચાર અવસ્થા માંથી પસાર થાય છે.
ઈંડા અવસ્થાઃ
• આ જીવાતના ઈંડા મોતી જેવા સફેદ રંગના, ચપટા અને લંબગોળ આકારના હોય છે.
• ઈંડા ૦.૫ મીમી લાંબા અને ૦.૨૫ મીમી પહોળા હોય છે જે સમયાંતરે રેખાઓ સાથે શિલ્પ જેવા આકારના દેખાય છે.
• આ જીવાતની માદા પાકની શરૂઆતની અવસ્થામાં કુમળા પાનની નીચેની બાજુએ, ફૂલ-ભમરીમાં તેમજ કળીઓમાં અને જીંડવા અવસ્થામાં નાના જીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ૪ થી ૫ ની સંખ્યામાં જથ્થામાં ઈંડા મૂકે છે.
• માદા પોતાના જીવનકાળ દરમ્યાન ૧૫૦ થી ૩૦૦ની સંખ્યામાં ઈંડા મૂકે છે.
• ઈંડા અવસ્થા ૪ થી ૬ દિવસમાં પૂર્ણ કરી તેમાંથી ઈયળ બહાર આવે છે. (ક્રમશઃ)














































