કૃષ્ણનગર કોર્ટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. ભારતીય સેના વિશે વાંધાજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ તેમને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થવાનું ટાળી રહ્યા હતા. આ પછી કોર્ટે સાંસદ સામે આ કાર્યવાહી કરી છે.
મહુઆ પર એક ઇન્ટરવ્યુમાં ભારતીય સેના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. તે ટિપ્પણીઓ બાદ, કૃષ્ણનગરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસી સાંસદને કેસની સુનાવણી માટે ઘણી વખત શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ભારતીય સેનાના સૈનિકો અને ગૃહમંત્રી અમિત શાહનું અપમાન કરતી ટિપ્પણીઓ પોસ્ટ કરવા ઉપરાંત, સાંસદ મહુઆ મોઇત્રાએ હિન્દુઓ દ્વારા પહેરવામાં આવતી તુલસી માલા અને મુસ્લીમ સમુદાય દ્વારા પહેરવામાં આવતી હિજાબ અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આને ધ્યાનમાં રાખીને, ૧૨/૬/૨૦૨૬ ના રોજ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વારંવાર સમન્સ પાઠવવા છતાં, તેઓ કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા. કૃષ્ણનગર કોર્ટે આખરે આદેશોનો અનાદર કરવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું.
મહુઆ મોઇત્રા તૃણમૂલ કોંગ્રેસના જાણીતા અને સ્પષ્ટવક્તા સાંસદ છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ એક સફળ રોકાણ બેંકર હતા. તેમણે જેપી મોર્ગન (લંડન) ખાતે ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું અને ભારતીય યુવા કોંગ્રેસમાં જોડાવા માટે ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ, ૨૦૧૦ માં, તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જાડાયા હતા.
તેમની ચૂંટણી યાત્રાની વાત કરીએ તો, ૨૦૧૬ માં, તેઓ પશ્ચિમ બંગાળના કરીમપુર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ, તેમણે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં કૃષ્ણનગર બેઠક જીતી હતી અને પ્રથમ વખત સંસદમાં પ્રવેશ કર્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩ માં, “કેશ-ફોર-ક્વેરી” કૌભાંડને કારણે તેમનું સંસદીય સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું, પરંતુ જાહેર સમર્થન તેમની સાથે રહ્યું હતું, અને તેઓ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં કૃષ્ણનગર બેઠક પરથી જંગી વિજય સાથે સંસદમાં પાછા ફર્યા હતા.
તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પહેલા લગ્ન લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, જેમનાથી હવે તેમના છૂટાછેડા થઈ ગયા છે. ત્યારબાદ, મે ૨૦૨૫ માં, તેમણે બીજેડી નેતા અને પ્રખ્યાત વકીલ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા.










































