અમરેલી તાલુકાના ચાંદગઢ ગામમાં આજે વહેલી સવારે સિંહણ ઘૂસી આવતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. બે દિવસ અગાઉ ચાંદગઢ નજીક શેત્રુંજી નદીના કાંઠે વનવિભાગના ટ્રેકર પર હુમલો કરનાર આ જ સિંહણને પકડવા વનવિભાગે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે સિંહણ હાથ લાગી નહોતી. આજે સિંહણ ગામની શેરીઓમાં આશરે એક કલાક સુધી આંટાફેરા કરતી જોવા મળી હતી. સિંહણ રામજી મંદિર સુધી પહોંચી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં લીલીયા રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.એનિમલ ડોક્ટરની ટીમની મદદથી સિંહણને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂરવામાં આવી હતી. સિંહણ પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.







































