ગાંધીનગર કોર્ટમાં વર્ષોથી ફરજ બજાવતા સરકારી વકીલ સામે ભ્રષ્ટાચારની આંગળી ચિંધવામાં આવી છે. ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દ્વારા આ બાબતે મુખ્યમંત્રીથી લઈને એસીબી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. માત્ર ગણતરીના કેસમાં જ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે જજ સાથે સેટીંગ કરીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતને લઈને હવે કોર્ટ સંકુલમાં ભારે ચર્ચા થઈ રહી છે. ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ. સી. ગોહિલે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લા કોર્ટના મુખ્ય સરકારી વકીલ હિતેશભાઈ નવીનચંદ્ર રાવલ સહિત કેટલાક સરકારી વકીલો, કોર્ટ કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ દ્વારા ભ્રષ્ટાચાર, મિલીભગત, કેસોમાં દખલગીરી, મિલકતોમાં બેનામી વ્યવહારો કરવામાં આવ્યા છે. જાકે, આ તમામ આક્ષેપોની સત્યતા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. સરકારી વકીલના પરિવારજનોની સામે પણ આંગળી ચીંધવામાં આવી છે.
રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિતેશભાઈ રાવલ આશરે વર્ષ ૨૦૦૪થી ૨૦૨૬ સુધી ગાંધીનગર જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે કાર્યરત છે. લાંબા સમયથી એક જ વ્યક્તિ મહત્વના સરકારી વકીલના પદે રહેતા હોવાના કારણે પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ગાંધીનગર બાર એસોસિએશન મહામંત્રી દિલીપસિંહ.સી. ગોહિલે જણાવ્યું છે કે, મુખ્ય સરકારી વકીલ, મદદનીશ સરકારી વકીલો, આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નવી જાહેરાત બહાર પાડી પારદર્શક પ્રક્રિયા દ્વારા નિમણૂક કરવાની માંગ કરી છે.ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ ગોહિલે આક્ષેપ કરતા કહ્યું છે કે, કયા કેસમાં કોને આગોતરા જામીન આપવા અને કોને નહીં આપવા, રેગ્યુલર જામીન, આરોપીઓને નિર્દોષ છોડાવવા અથવા સજા અપાવવી તે સમગ્ર બાબત ૮ લોકોની મંડળી નક્કી કરે છે અને તે કેસોમાં ભરપૂર સેટીંગ કરવામાં આવે છે. જજ સાથે સેટિંગ કરીને અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. આ રૂપિયાથી કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરવામાં આવી છે.મુખ્ય સરકારી વકીલ હિતેશ રાવલ દ્વારા માત્ર જમીન સંપાદન વળતર સંબંધિત કેસોમાં વધુ પડતો રસ ધરાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેથી તેમની સામે અગાઉ પણ સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. જાકે સરકારે રજૂઆતોને બેધ્યાન કરતા સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે કેમ તેની વિઝિલન્સ મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.હિતેશભાઈ રાવલ તથા તેમના પરિવારમાં તેમના પુત્ર, પિતા અને માતા સહિતના સભ્યોના નામે રહેલી વિવિધ સ્થાવર મિલકતોનો ઉલ્લેખ કરીને તેમની સરકારી વકીલ તરીકેની નિમણૂક પહેલાં અને ત્યારબાદની સંપત્તિની સરખામણી કરવાની માંગ કરવામાં આવી છે. ગાંધીનગરના સેક્ટર-૬, સેક્ટર-૨૭ તેમજ કુડાસણ વિસ્તારમાં આવેલી કેટલીક મિલકતોની બજાર કિંમત અંગે પણ દાવા કરવામાં આવ્યા છે. આ મિલકતોની આવકના †ોત સાથે સરખામણી કરી તપાસ કરવામાં આવે તો વધુ નામી-બેનામી મિલકતો સામે આવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.