દેશી દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ કરી રૂ.૧૦ હજારની લાંચ માંગી હતી
ભાવનગર જિલ્લામાં દારૂકાંડમાં લોકોનાં મોત વચ્ચે અમરેલી જિલ્લામાં પોલીસ કર્મચારી દ્વારા દેશી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરી લાંચ માગ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમરેલી એસીબીની ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ શ્યામભાઈ અનંતરાય બગડાને રૂ.૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ બનાવને પગલે જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.
એસીબીના જણાવ્યા મુજબ, ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા, પરંતુ હાલ આ ધંધો બંધ કરી દીધો હતો. તેમ છતાં આરોપી એએસઆઈ શ્યામ બગડાએ ફરિયાદીને ફરીથી દેશી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કર્યું હતું. ધંધો શરૂ નહીં કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોપીએ દારૂનો ધંધો ફરી શરૂ કરવાના બદલામાં રૂ.૧૦ હજારની લાંચ માગી હતી. જોકે, રકઝકના અંતે રૂ.૫ હજાર આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી અમરેલી એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમે ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. ઓળીયા ગામની સીમમાં ઝવેરભાઈ પટેલની વાડીના ઝાંપા પાસે, નેસડી જવાના કાચા માર્ગ પર એએસઆઈ શ્યામ બગડાએ ફરિયાદી પાસેથી રૂ.૫ હજારની લાંચ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
આ કાર્યવાહી અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રિઝવી તથા એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































