બ્લડ પ્રેશરની દવા ખરીદતા પહેલા હવે દર્દીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે અમદાવાદમાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ સંયુક્ત તપાસમાં અમદાવાદ અને લખનઉના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.નકલી દવામાં અસલી કંપનીનું નામ, લેબલ અને બેચ નંબર સુધીનો ઉપયોગ કરવામાં આવતો હતો.. આ નકલી દવાઓ અનેક દર્દીઓએ લીધી હોવાનો થયો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે આ નકલી દવાના નેટવર્કને લઈને તપાસ શરુ કરી છે.૧૯ ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં જે બી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પોતાની પ્રોડક્ટ નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ની બનાવટી દવા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કરી હતી .ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના અલગ-અલગ મેડિકલ સ્ટોર્સમાંથી આ દવાનો સ્ટોક મળી આવ્યો હતો. અને દવાની સપ્લાય ચેઇનની તપાસ કરતા તેના તાર અમદાવાદ, કચ્છ, જયપુર અને લખનઉ સુધી પહોંચ્યા હતા.આરોપીઓ અસલી દવા જેવી જ દેખાય તેવી બનાવટી દવા તૈયાર કરતા હતા..જેમાં અસલી કંપનીનું નામ, દવાનું નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરીને એવી રીતે નકલી ટેબ્લેટ તૈયાર કરવામાં આવતી હતી કે સામાન્ય ગ્રાહક કે દર્દી અસલી અને નકલી દવા વચ્ચેનો તફાવત સરળતાથી ઓળખી શકે નહિ.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી દશીલ સંઘવી અમદાવાદનો હોલસેલ દવા વેપારી છે અને પાલડી ખાતે પાશ્વ મેડિકલ સ્ટોર ચલાવે છે. આ આરોપી બનાવટી દવાનો સ્ટોક મંગાવી અમદાવાદ અને અન્ય શહેરોના સબ-ડિસ્ટ્રિબ્યુટર્સને વેચતો હતો..જ્યારે આરોપી દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી લખનઉનો રહેવાસી છે..આ આરોપીઓ ઊંચી કિંમતની દવાઓમાં કમિશન મેળવવા નકલી દવાઓ ખરીદી કરીને ગુજરાતમાં સપ્લાય કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.










































