સુરત ખાતે કોર્ટયાર્ડ બાય મેરિયટ હોટેલમાં ભારત અને ગિની વચ્ચેના વેપાર તથા ઔદ્યોગિક સંબંધોને મજબૂત બનાવવા બિઝનેસ મીટ યોજાઈ હતી. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માર્ગદર્શન હેઠળ કેશવ ગ્રીન ઇન્ટરનેશનલના પ્રયોજક ડા. રોનકભાઈ ઢોલરિયાના આયોજનમાં યોજાયેલી મીટમાં ગિની સહિત આફ્રિકાના વિવિધ દેશોમાં વેપાર, ઉદ્યોગ અને રોકાણની તકો અંગે ગુજરાતના ઉદ્યોગકારોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગિનીના ભારત ખાતેના રાજદૂત અલાસાને કોન્ટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગિનીમાં ભારતીય વેપારીઓ માટે વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો અંગે માહિતી આપી હતી અને રોકાણકારોને દૂતાવાસ દ્વારા જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા સહિત અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટથી ગુજરાત અને આફ્રિકા વચ્ચે વેપારના નવા સંબંધો વિકસવાની આશા વ્યક્ત કરાઈ હતી.