વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ વર્ષ જાહેર સેવા પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ આગામી ૭ ઓક્ટોબરના રોજ પીએમ મોદીની જાહેર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થશે. નોંધનીય છે કે પીએમ મોદી ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી અને પછી વડા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના ૨૫ વર્ષના જાહેર સેવાના દિવસને ઉજવવા માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો છે. ભાજપ આ પ્રસંગે દેશભરમાં “સેવા સંકલ્પ મહોત્સવ” ઉજવવાની તૈયારી કરી રહી છે.
જાહેર માહિતી અનુસાર, સેવા સંકલ્પ મહોત્સવ દરમિયાન આશરે ૧૫ દિવસ માટે દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, સ્વચ્છતા, રક્તદાન, વૃક્ષારોપણ અને આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. “નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષ” થીમ પર ડિજિટલ અને ફોટો પ્રદર્શનો યોજવામાં આવશે. સુશાસન, વિકાસ અને અંત્યોદય પર બૌદ્ધિક પરિષદો યોજાશે. યુવાનો અને સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જન કલ્યાણકારી યોજનાઓ અંગે ખાસ શિબિરોનું પણ આયોજન કરવામાં આવશે.
પીએમ મોદીના ૨૫ વર્ષના જાહેર સેવાના અવસરે આયોજિત સેવા સંકલ્પ મહોત્સવની જવાબદારી વિનોદ તાવડેને સોંપવામાં આવી છે. અહેવાલો અનુસાર, દરેક રાજ્યમાં સાત સભ્યોની ટીમ આ અભિયાનનું નેતૃત્વ કરશે, જેમાં રાજ્ય સરકારના એક મંત્રી, સંગઠનના એક મહાસચિવ અને પાંચ નેતાઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ૨૬ મેના રોજ ૧૨ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમણે ૨૬ મે, ૨૦૧૪ના રોજ વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. અગાઉ, નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ૫૧ વર્ષની ઉંમરે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ રાજ્યના ૧૪મા મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યારબાદ તેમણે ૨૦૧૪ સુધી મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, જે એક રેકોર્ડ છે. તેમણે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને સતત બહુમતીથી જીત અપાવી હતી.










































