છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વૃદ્ધ મહિલાના ઘરેણાં કાઢી જવાના ઇરાદે હુમલો કરાયો હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે રાત્રિના સમયે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. વાવડી ગામની સીમમાં ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. રાત્રિના સમયે થયેલા આ હુમલામાં વૃદ્ધ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં વૃદ્ધ મહિલા મનચીબેન રાઠવાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ કાંગુભાઈ રાઠવા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.હુમલા બાદ ગંભીર હાલતમાં રહેલા કાંગુભાઈ રાઠવાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બોડેલીની નીલકંઠ હોશ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનામાં મનચીબેન રાઠવાનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.પ્રાથમિક આશંકા મુજબ વૃદ્ધ મહિલાના શરીર પર રહેલા ઘરેણાં કાઢી લઈ જવાના ઇરાદે અજાણ્યા ઈસમોએ દંપતી પર હુમલો કર્યો હોવાની શક્્યતા છે. જાકે, હુમલાનું ચોક્કસ કારણ શું હતું અને હુમલા પાછળ કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાવીજેતપુર પોલીસ તેમજ કરાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી મહત્વના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.સાથે જ પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરી છે. હુમલાખોરો ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ફરાર થયા અને તેમની ઓળખ કેવી રીતે થઈ શકે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વૃદ્ધ દંપતી ખેતરમાં એકાંત વિસ્તારમાં રહેતું હોવાથી હુમલાખોરોએ આ બાબતનો લાભ લીધો હોવાની પણ શક્યતા તપાસવામાં આવી રહી છે. જાકે, આ અંગે પણ પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.એક તરફ વૃદ્ધ મહિલાનું મોત થયું છે તો બીજી તરફ તેમના પતિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સમગ્ર વાવડી ગામ સહિત પાવીજેતપુર પંથકમાં ઘટનાને લઈને ભારે ચકચાર મચી છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.વાવડી ગામે વૃદ્ધ દંપતી પર થયેલા આ જીવલેણ હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત અને પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં અનેક સવાલો ઉભા થયા છે. હવે પોલીસ તપાસમાં હુમલાનું ચોક્કસ કારણ શું હતું અને આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે સામે આવે છે કે કેમ, તેના પર સૌની નજર છે.