બગસરા પટેલ સમાજ વિકાસ મંચ-સુરત દ્વારા ૧૫મો સ્નેહમિલન સમારોહ તથા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું કોસમાડા ખાતે હેપ્પીનેસ બેન્ક્વેટ હોલ, હેવન પાર્ટી પ્લોટ, કેનાલ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મંચના પ્રમુખ ભીખુભાઈ ટીંબડીયાએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવો અને સમાજજનોનું સ્વાગત કર્યું હતું. વેલજીભાઈ શેટા, જી.આર. આસોદરિયા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વેલજીભાઈ શેટાએ પાટીદાર સમાજના ઉત્થાન અંગે વિચારો રજૂ કરી પરિવાર સુરક્ષા કવચ યોજનાની માહિતી આપી હતી. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ સ્વાસ્થ્ય, સંપત્તિ અને પરિવારના પ્રેમને સુખી જીવનનો આધાર ગણાવ્યો હતો. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ ગીતાના શ્લોક સાથે સમાજની પ્રગતિ અને સંસ્કાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. મંત્રી હરેશભાઈ કુંજડીયાએ આભારવિધિ કરી હતી.







































