ગીરગઢડા પંથકમાં ચાલુ વર્ષે ઓગસ્ટના અંત સુધીમાં માત્ર ૧૭ ઈંચ (૪૩૦ એમ.એમ.) વરસાદ નોંધાતા ખેડૂતો અને ગ્રામજનો માટે જીવાદોરી સમાન મછુંન્દ્રી ડેમ માત્ર ૪૮ ટકા જ ભરાયો છે. જેના કારણે ગીરગઢડા તાલુકાના ૨૧ ગામોને સિંચાઈ અને ૨૭ ગામોને પીવાના પાણી પુરવઠા અંગે આગામી દિવસોમાં ગંભીર સંકટ ઊભું થવાની પૂરી શક્યતા દર્શાવાઈ રહી છે.સામાન્ય રીતે ૫૦ ઈંચ સરેરાશ વરસાદ ધરાવતા આ વિસ્તારમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો, જ્યારે આ વર્ષે ઓછો વરસાદ થતાં પાણીની આવક ઘટી છે. મછુંન્દ્રી સિંચાઈ યોજનાના મદદનીશ ઈજનેર કે.ડી. ચાવડાના જણાવ્યા મુજબ, જો વરસાદ હજુ પણ ખેંચાશે તો ખેડૂતોને કેનાલ મારફતે અપાતા સિંચાઈના પાણીમાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે. ઉપરાંત, ડેમના કુલ જથ્થામાંથી ૫ ટકા પાણી વન્યપ્રાણીઓ માટે ડેડ સ્ટોરેજ તરીકે રાખવામાં આવે છે. હાલ ખેડૂતો અને ગ્રામજનો મેઘરાજા મહેર કરે તેવી આશ સાથે મીટ માંડીને બેઠા છે.