અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમના અવેરનેસ કેમ્પેઈન છતાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં રહેતા એક યુવક સાથે સરકારી યોજનાના નામે સાયબર ગઠિયાએ છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બાળ વિકાસ કેન્દ્રના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી અજાણ્યા શખ્સે ફરિયાદી પાસેથી રૂ.૧૭,૪૦૪ ઓનલાઇન પડાવી લીધા હતા. આ અંગે ગોપાલભાઇ બાવચંદભાઇ બાળધા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરે તાજેતરમાં દીકરીનો જન્મ થયો હતો. આ દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફરિયાદીને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે ‘બાળ વિકાસ કેન્દ્ર’ની મુખ્ય કચેરીમાંથી બોલતો હોવાની ખોટી ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે, તમારી પત્નીની ડિલિવરી થઈ હોય અને દીકરીનો જન્મ થયો હોવાથી સરકારશ્રી તરફથી રૂ.૧૨,૦૦૦ની સહાય મળવાપાત્ર છે. આ સરકારી સહાય મેળવવાની પ્રોસેસના બહાને ગઠિયાએ તેમને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી યુપીઆઈ આઈડી મારફતે તબક્કાવાર કુલ રૂ. ૧૭,૪૦૪ ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં કપાઈ ગયા બાદ છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવી હતી.સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી એલ ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.









































