જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ (DLMA)ની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ યોજનાના અસરકારક અમલીકરણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન જિલ્લામાં ૧૫થી ૬૦ વર્ષની વયજૂથના નિરક્ષરોનો સર્વે કરવા અંગે શિક્ષણ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે ગામોમાં નિરક્ષરો મળી આવે ત્યાં સાક્ષરતા વર્ગો શરૂ કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી, જેથી નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવી મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કાર્ય વધુ અસરકારક રીતે થઈ શકે. આ ઉપરાંત, આગામી ૧ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં કરવામાં આવશે તેમ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સાક્ષરતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમના સફળ અમલીકરણ માટે સંબંધિત વિભાગોને સંકલિત પ્રયાસો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી, જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સોલંકી, શિક્ષણ વિભાગના અધિકારઓ અને સત્તા મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.










































