સાવરકુંડલામાં ખાતરવાડી પાસે અમરેલીના ડ્રાઇવરે ગાળો બોલવાની ના પાડતાં કેટલાક શખસોએ તેને ફટકાર્યો હતો તેમજ તેની કારમાં રૂ. ૨૦ હજારનું નુકસાન કર્યું હતું. બનાવ અંગે હર્ષદભાઇ જેન્તીભાઇ વાઘ (ઉ.વ. ૩૫)એ અશોક વેગડા, યોગેશ વેગડા, મયુર મારૂ, કૃણાલ વેગડા, સમીર વાળા તથા ભાવેશ નામના ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ અમરેલીથી ઇકો ગાડી લઇને સાવરકુંડલા આવ્યા હતા અને ખાતરવાડી પાસે ઊભા હતા. તે દરમિયાન આરોપીઓ આવીને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. હર્ષદભાઇએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ તેમના મોઢા પર લાકડીનો ઘા માર્યો હતો. આથી તેઓ પોતાની ઇકો ગાડી લઇને ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ પીછો કરીને તેમને આંતરી લીધા હતા. આરોપીઓએ ઇકો
કારમાં ધોકા મારી રૂ. ૨૦,૦૦૦ જેટલું નુકસાન કર્યું હતું અને કાનૂની મર્યાદા બહાર ગાળો આપી ધોકા વડે મૂંઢ માર મારીને ભાગી ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઇ જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































