લીલીયા તાલુકાની ગુંદરણ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી મહોત્સવની ઉત્સાહભેર અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિસરમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ પરિવાર દ્વારા બાલકૃષ્ણને ૫૬ ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ “નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી”ના જયઘોષ સાથે મટુકી ફોડી કૃષ્ણમય માહોલ સર્જ્યો હતો. ઉજવણીમાં ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરતી, પ્રસાદી, ધૂન-ભજન તેમજ રાસ-ગરબાનો સૌએ આનંદ માણ્યો હતો. શાળા પરિવાર અને ગ્રામજનોના સહયોગથી સમગ્ર પરિસર નંદોત્સવના રંગે રંગાઈ ગયું હતું.