૧૧ અમેરિકી કાયદા ઘડનારાઓના જૂથે પાકિસ્તાનને એક ખ્રિસ્તી મહિલાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા વિનંતી કરી છે જેનું અપહરણ કરીને ઇસ્લામ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસમેન ક્રિસ સ્મિથે પાકિસ્તાન સરકારને ૧૮ વર્ષની ખ્રિસ્તી મહિલા નેહા ફકીરના સલામતી અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અપીલ કરી હતી.
એવો આરોપ છે કે માર્ચમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ઇસ્લામ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનની એક કોર્ટે નેહાના પરિવાર દ્વારા તેણીને પરત મેળવવા માટે દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે.
કોંગ્રેસમેન સ્મિથે કહ્યું, “નેહા ફકીરના ગુમ થવા અને ત્યારબાદ ધર્માંતરણની આસપાસના સંજાગો તેની સલામતી, ધાર્મિક સ્વતંત્રતા અને બળજબરી કે ધાકધમકી વિના તેના અધિકારોનો ઉપયોગ કરવાની તેની ક્ષમતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.”
સ્મિથ અને કોંગ્રેસના ૧૦ અન્ય સભ્યોએ પાકિસ્તાનના ફેડરલ કાયદા અને ન્યાય પ્રધાન આઝમ નઝીર તરારને પત્ર મોકલીને ફકીરના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને “આ મામલાનો ન્યાયી ઉકેલ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા” વિનંતી કરી હતી.
પત્રમાં, બંને પક્ષોના કાયદા નિર્માતાઓએ પાકિસ્તાની અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓ ફકીરની સલામતી સુનિશ્ચિત કરવા અને તેને સ્વતંત્ર કાનૂની સલાહકાર સુધી ગુપ્ત પહોંચ આપવા માટે તેમની ન્યાયિક પ્રણાલીમાં જરૂરી પગલાં લે.
તેમણે પાકિસ્તાનને પણ વિનંતી કરી હતી કે ફકીરને તેના પરિવાર સાથે મુક્ત અને ખાનગી રીતે વાતચીત કરવાની તક મળે. સ્મિથે કહ્યું, “પાકિસ્તાનનું બંધારણ ધાર્મિક સ્વતંત્રતા અને કાયદા સમક્ષ સમાનતાનું રક્ષણ કરે છે, પરંતુ જો કોઈ યુવતી સુરક્ષિત અને મુક્ત રીતે પોતાને વ્યક્ત કરી શકતી નથી, તો આ અધિકારો અર્થહીન છે. આ મુદ્દો ખાસ કરીને પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ માટે મહત્વપૂર્ણ છે, જેમણે અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને બળજબરીથી લગ્ન જેવી ઘટનાઓનો સામનો કર્યો છે.”
ક્રિશ્ચિયન સોલિડેરિટી ઇન્ટરનેશનલે ૧૦ જૂને ફકીરનો કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો હતો. સંગઠને અહેવાલ આપ્યો હતો કે તે ૨૪ માર્ચે સીવણ શીખવા ગઈ હતી અને ત્યારથી ગુમ હતી. બાદમાં ફકીર લાહોરની એક મદરેસામાં મળી આવી હતી, જ્યાં તેણીને કથિત રીતે ઇસ્લામ ધર્મ અપનાવવામાં આવ્યો હતો.









































