શહેરના દાણીલીમડા વિસ્તારમાં ૬ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને જાતીય સતામણીના ગંભીર ગુનામાં અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ૫૧ વર્ષના આરોપી હસન શેખને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ આરોપીને રૂ. ૫૦,૦૦૦નો દંડ તેમજ પીડિત બાળકીને રૂ. ૫.૫૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
કેસની ફરિયાદ મુજબ, દાણીલીમડા વિસ્તારમાં બાળકી પડોશમાં રહેતા હસન શેખના ઘરે તેની પૌત્રી સાથે ૬ વર્ષીય બાળકી રમતી હતી. આ દરમિયાન આરોપી અવારનવાર બાળકી સાથે અશ્લીલ હરકતો કરતો અને દુષ્કર્મ આચરતો હતો. ઉપરાંત, કોઈને વાત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ દરમ્યાન ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન બાળકીની તબિયત બગડતા અને ગભરાઈ જતાં તેણે પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી.બાદમાં સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી અને કોર્ટમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ દલીલ કરી હતી કે બનાવ સમયે બાળકીની ઉંમર માત્ર ૬ વર્ષ અને ૮ મહિના હતી. જે જન્મ પ્રમાણપત્ર, શાળાના રેકોર્ડ અને આચાર્યની જુબાનીથી સાબિત થાય છે.
બાળકી દ્વારા કોર્ટ સમક્ષ આરોપીની સ્પષ્ટ ઓળખ કરવામાં આવી હતી અને તેણે પોતાની સાથે થયેલા અત્યાચારનું વિશ્વસનીય વર્ણન કર્યું હતું. મેડિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓની જુબાનીઓ પણ પ્રોસિક્યુંશન કેસને સમર્થન આપતી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ નીતા એચ. વાસવેલિયાની કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ પીડિત બાળકીને ન્યાય મળે તે માટે રૂ. ૫.૫૦ લાખના વળતરની વ્યવસ્થા કરવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો હતો.
ચુકાદામાં નોંધ્યું હતું કે પીડિત બાળકીની જુબાની, તબીબી પુરાવા અને શાળાના જન્મતારીખના રેકોર્ડ એકબીજા સાથે સુસંગત છે. આરોપીએ બાળકીની માસૂમિયતનો ગેરલાભ ઉઠાવી અત્યંત ગંભીર ગુનો આચર્યો હોવાનું કોર્ટે માન્ય રાખ્યું હતું. સમાજમાં આવા અપરાધો સામે કડક સંદેશ જાય તે માટે કઠોર સજા જરૂરી હોવાનું પણ કોર્ટે અવલોકન કર્યું હતું.









































