એએમસીના ફાયર વિભાગમાં લાંચ લેવાના કેસમાં એસીબી દ્વારા ઝડપાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાને અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટ તરફથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવી દેતાં તેઓને હાલ જેલમાં જ રહેવું પડશે.અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ-૧ અધિકારી તરીકે ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સંભાળતા અમિત ડોંગરે વિરુદ્ધ ૩૬ હજારની લાંચ લેવાનો ગંભીર આક્ષેપ થયો હતો, જેના આધારે એસીબી દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર લાંચ પ્રકરણમાં તેમના વહીવટદાર તરીકે ભૂમિકા ભજવનાર ભાવસિંહ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસીબીની ટીમે બંને આરોપીઓ સામે ગંભીર પુરાવા એકત્રિત કર્યા હતા.
જેલહવાલે કરાયેલા બંને આરોપીઓએ કાનૂની રાહત મેળવવા માટે સ્પેશિયલ એસીબી કોર્ટ સમક્ષ નિયમિત જામીન મેળવવા અરજી દાખલ કરી હતી. જાકે, કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો અને એસીબી દ્વારા રજૂ કરાયેલા પુરાવા ધ્યાને લેવાયા હતા. કેસની ગંભીરતા અને તપાસના તબક્કાને ધ્યાને રાખીને સ્પેશિયલ એસીબી કોર્ટે જામીન મંજૂર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને અરજી નામંજૂર કરી હતી.
અમિત ડોંગરેની ધરપકડ બાદ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી અને વહીવટી પારદર્શિતા સામે અનેક સવાલો ઊભા થયા હતા. કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવતા બંને આરોપીઓની કાનૂની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે આ ચુકાદાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, એસીબી દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ રાખવામાં આવી છે.









































