વિદેશમાં સારી નોકરી અને કમાણીની આશાએ કન્સલ્ટન્સીનો સંપર્ક કરવો આણંદના ૨૩ વર્ષીય યુવકને ભારે પડ્યો છે. ફ્રાન્સમાં નોકરી અને વર્ક વિઝા અપાવવાના બહાને શરૂઆત કરાયેલી વાતચીત બાદ યુવકને લાતવિયા મોકલવામાં આવ્યો હતો. જાકે વિદેશ પહોંચ્યા બાદ નોકરી તો મળી નહીં, સાથે ટીઆરસી કાર્ડ પણ ન મળ્યું. આખરે યુવકને ખાલી હાથે ભારત પરત ફરવું પડ્યું. યુવક પાસેથી કુલ રૂ.૯.૫૦ લાખ પડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.આણંદ જિલ્લાના નિસરાયા ગામના ૨૩ વર્ષીય યુવકના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૪માં તેણે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં મનુભાઈ ટાવરમાં આવેલી વાયબ્રન્ટ ઓવરસીઝ કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. કન્સલ્ટન્સીના સંચાલક પંકજ સંઘવીએ ફ્રાન્સમાં નોકરી, રહેવા-જમવાની સુવિધા અને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી કુલ રૂ.૬.૫૦ લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. યુવકે શરૂઆતમાં રૂ.૫૦ હજાર ચૂકવ્યા હતા. જાકે ત્રણ-ચાર મહિના પસાર થયા બાદ પણ વિઝાની પ્રક્રિયા આગળ ન વધતા તેણે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા.
આ પછી એજન્ટ દ્વારા ફ્રાન્સના બદલે લાતવિયામાં નોકરી અપાવવાની વાત કરવામાં આવી હતી. યુવકને કહેવામાં આવ્યું હતું કે તે બિઝનેસ વિઝા પર લાતવિયા જાય, જ્યાં પહોંચ્યા બાદ ચાર-પાંચ દિવસમાં વર્ક પરમિટ અને ટીઆરસી કાર્ડ મળી જશે. ફરિયાદ મુજબ, યુવકે અલગ-અલગ તારીખે પંકજ સંઘવી તથા તેમના જણાવ્યા મુજબ મનીષ ઠક્કરના ખાતામાં કુલ રૂ.૯.૫૦ લાખ ચૂકવ્યા હતા.
૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યુવક લાતવિયા પહોંચ્યો હતો. પરંતુ એરપોર્ટ પર તેને લેવા માટે કોઈ વ્યક્તિ હાજર નહોતી. ત્યારબાદ તેને હોટલમાં રોકવામાં આવ્યો હતો અને ટીઆરસી કાર્ડ માટે સતત વાયદા કરવામાં આવતા રહ્યા.આ દરમિયાન લગભગ ૨૮ દિવસ સુધી કાર્ડ મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ કામ પૂર્ણ ન થતાં યુવકને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ફરિયાદ મુજબ,ટીઆરસી કાર્ડ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરવાના નામે યુવક પાસેથી વધુ ૬ હજાર યુરોની માંગણી કરવામાં આવી હતી. યુવક આટલી મોટી રકમની વ્યવસ્થા કરી શક્્યો નહોતો. પરિણામે નોકરી કે જરૂરી દસ્તાવેજા વગર જ તેને ૧૧ માર્ચે ભારત પરત ફરવાની ફરજ પડી હતી.
ભારત પરત આવ્યા બાદ યુવકે એજન્ટ પાસેથી પોતાની રકમ પરત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે રૂપિયા પરત ન મળતા અને વિઝા-નોકરીનું કામ પણ પૂર્ણ ન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. તપાસમાં અન્ય કોઈ વ્યક્તિ આ કથિત છેતરપિંડીમાં સંડોવાયેલી છે કે નહીં, તેમજ યુવક પાસેથી લેવામાં આવેલી રૂ.૯.૫૦ લાખની રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે સહિતની વિગતો બહાર આવવાની શક્યતા છે.








































