દીવના વણાંકબારા વિસ્તારની ટાંકીવાડીમાં ૨૫ વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિકા જસ્મીનાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. બનાવને લઈને પરિવારજનોએ તેના પ્રેમી કાર્તિક સામે આક્ષેપ કરતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના જણાવ્યા મુજબ, જસ્મીના અને મીઠીવાડીના રહેવાસી કાર્તિક વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધને લઈને બંને પરિવારો વચ્ચે અગાઉ પણ બોલાચાલી અને ઝઘડા થયા હતા. પરિવારજનોના આક્ષેપ મુજબ કાર્તિક રાત્રિના સમયે જસ્મીનાને મળવા આવતો હતો અને સીસીટીવી કેમેરાથી બચવા અન્ય રસ્તાનો ઉપયોગ કરતો હતો. ઘટનાની રાત્રે પણ કાર્તિક ત્યાં હાજર હોવાનો પરિવારનો દાવો છે. તેમજ જસ્મીનાનો મોબાઈલ અને કેટલાક જરૂરી દસ્તાવેજો સ્થળ પરથી ગુમ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.








































