જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના રૂપિયા પરત માંગતા બોલાચાલી બાદ ગળા પર છરીના ઘા મારી આધેડની હત્યા કરી. છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થતાં ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક શખ્સે આધેડને ગળાના ભાગે છરીના ઘા મારી દેતાં તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં હુશેન ઇસ્માઇલ સંધી વિરુદ્ધ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.૧, પારસી કબ્રસ્તાન પાછળ રહેતા ચંદ્રસિંહ રાઠોડ છેલ્લા ૧૦ વર્ષથી લક્ષ્મીબેન ચૌહાણ સાથે રહેતા હતા. તા.૨૩ ના રોજ બપોરના સમયે લક્ષ્મીબેન ઘરકામ માટે બહાર ગયા હતા. સાંજે આશરે સાત વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે ચંદ્રસિંગ રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જાવા મળ્યા હતા અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલી હતી. આ દરમિયાન પડોશમાં રહેતા મનીષે લક્ષ્મીબેનને જણાવ્યું હતું કે, સાંજે આશરે ૫.૩૦ વાગ્યાના અરસામાં ચંદ્રસિંહનો મિત્ર હુશેન ઇસ્માઇલ સંધી એ તેમના ઘરે આવી ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. ચંદ્રસિંહે રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા હુશેને પોતાની પાસે રહેલી છરી વડે ચંદ્રસિંહના ગળાના ભાગે હુમલો કર્યો હોવાનું જણાવાયું હતું.
બનાવની જાણ થતાં લક્ષ્મીબેને પાડોશીના મોબાઇલ પરથી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં ચંદ્રસિંહનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. બોલાચાલીનો બનાવ હત્યામાં પલટાયો હતો.ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે. બનાવનું ચોક્કસ કારણ, આરોપીની સંડોવણી અને અન્ય હકીકતો અંગે પોલીસ તપાસ ચાલુ છે.









































