રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધોરાજી સીટી વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. એલસીબીના મનીષભાઈ વરુ અને મનદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલા ભૂખી ચોકડી પાસે સર્વિસ રોડ પર એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી રૂ. ૨,૨૪,૦૦૦ની કિંમતની વિદેશી દારૂની ૩૦૦ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે બે મોબાઈલ ફોન અને રૂ. ૫ લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ. ૭,૩૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે માણાવદરના ઈબ્રાહીમ નાસિર હિંગરોજા અને મયુર દેવાભાઈ હાડગરાની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લખન વિંઝુડા અને સિદ્ધાર્થ વિંઝુડાના નામ પણ ખુલતા તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.