દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી એક ખાનગી શાળામાંથી સરકારી સાહિત્ય અને સામગ્રી મળી આવવાના મામલે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવેલી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફતેપુરાની ખાનગી શાળામાંથી સરકારી કીટ અને અન્ય સાહિત્ય મળી આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સામગ્રી કઈ સરકારી શાળા માટે ફાળવવામાં આવી હતી અને ખાનગી શાળા સુધી તે કેવી રીતે પહોંચી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મામલો ગંભીર બનતા પ્રાદેશિક કમિશનર સહિતના અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી છે. સાથે જ ૩ ટીપીઓની ટીમ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સરકારી કીટ કઈ શાળાને ફાળવવામાં આવી હતી, તેની ડિલિવરી ક્યાં થવાની હતી અને તે સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગેના રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યા છે.
સરકારી સામગ્રી ખાનગી શાળામાં પહોંચવા પાછળ કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા સામગ્રીના વિતરણ અને સ્ટોક સંબંધિત વિગતો મેળવવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી થાય તેવી શક્યતા છે.
આ સમગ્ર મામલામાં સીઆરસી કો-ઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાયને ફરજમુક્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમની ભૂમિકા અને જવાબદારી અંગે પણ તપાસ ચાલી રહી છે. હાલ પ્રાદેશિક કમિશનર સહિતની ટીમ તેમજ ૩ ટીપીઓની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ છે. સરકારી શાળાઓ માટેની સામગ્રી ખાનગી શાળામાં પહોંચવાના મામલે તપાસનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની જવાબદારી અને અન્ય વિગતો સ્પષ્ટ થશે.