અમરેલી શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળા શાસકોના શિક્ષણ મોડેલ અને કથિત વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. આટલા વર્ષોના દીર્ઘ શાસન છતાં શાળાની ભૌતિક સ્થિતિ અત્યંત દયનીય અને અતિશય ભયજનક તબક્કે પહોંચી ગઈ છે.
શાળાનું સમગ્ર બાંધકામ અત્યંત જીર્ણ અને જર્જરિત થઈ ગયું છે. બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે નવ વર્ગખંડો સામે માત્ર બે જ ઉપયોગી રૂમ હોવાથી નિર્દોષ બાળકોને ઓસરી કે ભોજનાલયના રૂમમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂરતી બેન્ચોના અભાવે અસંખ્ય ભૂલકાંઓ જમીન પર બેસવા મજબૂર બન્યા છે.વિદ્યુત ઉપકરણો ચાલુ કરતાં જ શાળાના મુખ્ય દરવાજા, રેલિંગ અને મકાનના વિવિધ ભાગોમાં કરંટ ઉતરવાની ગંભીર ફરિયાદ સામે આવતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ ઉપરાંત ચોમાસામાં ગ્રાઉન્ડમાં પાણી ભરાવું, યોગ્ય કમ્પાઉન્ડ વોલ કે ગેટ ન હોવો તેમજ ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય બાળકોના આરોગ્ય માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. રાજ્યકક્ષાના ભવ્ય આયોજનો અને મહોત્સવો પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો આંધળો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ પાયાની શિક્ષણ સુવિધાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઘોર બેદરકારી અને નીતિવિષયક ઉદાસીનતા તંત્રની પોલ ખોલે છે. જો સત્વરે યોગ્ય સમારકામ હાથ ધરીને સલામત સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો કોઈ મોટી અને જાનલેવા હોનારત સર્જાવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. તેમ આપ પ્રમુખ નિકુંજ સાવલીયાએ જણાવ્યુ છે.








































