અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશની શાળાઓમાં બાળકોને અપાતા ભોજન અને તેમના આરોગ્ય બાબતે ચિંતા વ્યક્ત કરી ને તેમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. તેમણે પત્રમાં જમાવ્યું હતું કે, વિશ્વના મોટાભાગના દેશો બાળકોના જંકફૂડ પર પ્રતિબંધ લાદી રહ્યા છે ત્યારે આ બાબતે ભારતે પણ વિચારવું જરૂરી છે. બાળકોના ભોજન માટેની નવી નીતિ બનાવતા પહેલા જાપાનની સ્કૂલોમાં બાળકો માટેની નીતિનો અભ્યાસ કરવો જરૂરી છે સાથે ભારતમાં હાલ ચાર કરોડ બાળકો મેદસ્વીતાનો ભોગ બન્યા છે, ૬થી ૧૬ વર્ષના ૧૦% બાળકો પ્રિડાયાબીટીશનો શિકાર બન્યા છે, ૧૫થી ૧૯ વર્ષના ૨૩% કિશોરોમાં આ ડાયાબીટીશનુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. ૧૮ વર્ષથી ઉપરના ૭.૭૦ કરોડ લોકોમાં ટાઈપ ટુ ડાયાબીટીશ જોવા મળ્યો છે ત્યારે શાળાના બાળકો માટે જયારે નવી ખોરાક નીતિ બનાવવામાં આવે ત્યારે તેમાં જંકફૂડના પ્રતિબંધ સાથે ખાંડ અને મીઠાનું પ્રમાણ પણ નક્કી કરવામાં આવે તે ખુબ જરૂરી છે, જેથી મેદસ્વીતા અને ડાયાબીટીશને વધતા અટકાવી શકાય. તેમણે આ પત્ર કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને પણ લખીને ચિંતા વ્યક્ત કરી છે.









































