પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે હિંસક વન્યપ્રાણીના આતંકથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનો નિંદ્રાધીન હતા તે દરમિયાન અજાણ્યા વન્યપ્રાણીએ અચાનક લોકો પર હુમલા શરૂ કરી દીધા હતા. ઘરઆંગણે તેમજ રસ્તા પર સૂતેલા લોકો પર થયેલા હુમલામાં ૧૫થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોમાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષોનો પણ સમાવેશ થાય છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રે આશરે ૧૧થી ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌપ્રથમ એક વ્યક્તિ પર હુમલો થયો હતો. ત્યારબાદ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં પ્રાણી ફરી ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક વ્યક્તિના પુત્ર પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ નાગદાનભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે, પુત્રને બચાવવા માટે તેઓ આગળ વધ્યા હતા. તેમણે પ્રાણીને મુક્કો મારીને પુત્રને છોડાવ્યો હતો. ત્યારબાદ પ્રાણીએ તેમના મોટાભાઈના મોં અને જડબાના ભાગે ગંભીર બચકાં ભર્યા હતા.
લક્ષ્મણભાઈના જણાવ્યા મુજબ, હુમલા બાદ પ્રાણી ઠાકોરવાસ તરફ ધસી ગયું હતું. ત્યાં તેણે એક પછી એક ૬થી ૭ લોકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ રવેચીના મેદાનમાં સૂતેલા લોકો અને બાપજી પર પણ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. સવાર સુધી ચાલેલા હુમલાને પગલે ગામમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો પોતાના ઘરની બહાર નીકળતાં પણ ભય અનુભવી રહ્યા હતા.
ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં તબીબોએ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી છે. કેટલાક લોકોને માથા, ચહેરા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો વૌવા ગામે પહોંચી ગયો હતો. ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પ્રાણીના પગમાર્ક સહિતના પુરાવા એકત્રિત કર્યા છે. સાથે જ હુમલાનો ભોગ બનેલા લોકો અને સ્થાનિક ગ્રામજનોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રાજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે
તપાસ કરવામાં આવી રહી છે. હુમલો કરનાર પ્રાણીની ચોક્કસ ઓળખ મેળવવા માટે જરૂરી તપાસ ચાલી રહી છે.
હુમલામાં ઘાયલ થયેલા અને સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું અનુમાન છે. જોકે, વન વિભાગે હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. વન વિભાગની ટીમ દ્વારા પગમાર્ક અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલો કરનાર પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઈ વન્યપ્રાણી, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થશે.
એક જ રાત્રિમાં મોટી સંખ્યામાં લોકો પર હુમલો થતાં વૌવા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે. હાલ વન વિભાગ દ્વારા પ્રાણીની ઓળખ કરી તેને શોધી કાઢવા તેમજ શક્ય તેટલી વહેલી તકે પાંજરે પૂરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.