મહાત્મા બજરંગદાસબાપાના ધામ બગદાણાને જોડતો ઠાડચથી બગદાણા સુધીનો ૧૫ કિલોમીટરનો રસ્તો અત્યંત સાંકડો અને ઝાડી-બાવળથી ઘેરાયેલો હોવાથી રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ માર્ગ પર આવેલા ઠળિયા અને રાળગોન ગામમાંથી રસ્તો પસાર થતો હોવાથી વારંવાર પાંચ કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થાય છે.તારીખ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ બાપાની ૫૦મી પુણ્યતિથિ નિમિત્તે ૫૦ લાખથી વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ઇરાદાપૂર્વક રસ્તામાં વળાંકો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. જેથી સરકારી નકશા મુજબ આ રસ્તો સીધો, ચાર માર્ગીય અને બંને ગામોમાં બાયપાસ કાઢી તાત્કાલિક પહોળો કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોની માંગ છે.