લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ સમાજ, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો તથા વિવિધ વર્ગોની બહેનો અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી બહેનો, બ્રહ્માકુમારીઝ તથા દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. બહેનોએ મુખ્યમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલકામના કરી હતી. મુખ્યમંત્રીએ પણ રાખડી બાંધવા માટે આવેલી તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી.
રક્ષાબંધનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યની તમામ નારીશક્તિના સર્વાંગી વિકાસ, સન્માન અને સુરક્ષા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ સાથે તેમની સુરક્ષા અને કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર મહિલાઓને સંબોધન કર્યું હતું અને ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. મોટી સંખ્યામાં બહેનોએ હર્ષ સંઘવીના ઓવારણા લીધા હતા.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, નિમિષાબેન સુથાર, પાયલબેન કુકરાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવતા સમગ્ર લોકભવન પરિસરમાં લાગણીસભર અને ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. ભાઈ-બહેનના સ્નેહ અને પરસ્પર સુરક્ષાના સંદેશ સાથે ઉજવાયેલા આ કાર્યક્રમમાં રક્ષાબંધન પર્વની પરંપરાગત ભાવના સાથે નારી સન્માનનો સંદેશ પણ પ્રબળ બન્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા મોરચાની હોદ્દેદાર અને કાર્યકર બહેનો હાજર રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહેનોની શુભેચ્છાઓ સ્વીકારી તેમની લાગણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ રક્ષાબંધન પર્વની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.











































