ઇડરના સમલાપુરમાં બે સગા ભાઇઓની હત્યા મામલે આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જમીનની લાલચ તેમજ અંધશ્રદ્ધાના પગલે આરોપીએ બે દિવસ પહેલા ૮ વર્ષીય માસૂમ બાળકની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે. જોકે, રિમાન્ડ દરમિયાન આરોપીએ મૃતકના મોટાભાઇની પણ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સાબરકાંઠાના ઇડર તાલુકાના સમલાપુરમાં બે નાના ભાઇઓની જમીનની હવસ અને અંધશ્રદ્ધાને કારણે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. બે દિવસ પહેલા જે ઘરમાંથી ૮ વર્ષના બાળકની અર્થી ઉઠી હતી, એ જ હત્યારા સાવનજી ઠાકોરે કબૂલાત કરી કે એક વર્ષ પહેલાં તેણે આ બાળકના ૧૨ વર્ષના મોટાભાઇની પણ હત્યા કરી હતી. એક જ પરિવારના બે સંતાનોની હત્યાનો ભેદ ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ઇડરના ડીવાયએસપી સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે, આઠ વર્ષના દીકરા ગુમ થયા હોવાની ફરિયાદ મળી હતી. તે બાદ કુવામાંથી લાશ મળી આવી હતી અને તેમાં ખુલાસો થયો કે આરોપી સાવનજી ઠાકોરે જમીન અદાવતમાં હત્યા કરી હતી. આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ૮ વર્ષના બાળકના મોટા ભાઇની પણ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન જ્યારે આરોપી સાવનજી ઠાકોરને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ કબુલાત કરી કે ગત વર્ષે ગુમ થયેલો પરિવારનો ૧૨ વર્ષના મોટો દીકરાને પણ પાણી ભરેલા ચેકડેમમાં નાખી હત્યા કરી હતી. અંધશ્રદ્ધા અને જમીનના વહેમમાં ચેકડેમના ઊંડા પાણીમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દેવાયાની વિગતો ખુલતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. હાલ પોલીસે આરોપી સાવનજી ઠાકોર સામે વધુ એક હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.










































