અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાંથી ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જાફરાબાદના નાગેશ્રી-ચૌત્રા રોડ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કે બાઈક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, નાગેશ્રી-ચૌત્રા માર્ગ પરથી ટ્રેક્ટર અને બાઈક પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતના ચોક્કસ કારણ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી, જોકે પ્રાથમિક રીતે વાહનોની ઝડપને કારણે અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. ટક્કર થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક સ્તરે રાહત અને બચાવ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે બાઈક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને બચાવી શકાયા નહોતા.
અકસ્મતમાં મૃત્યુ પામેલા બંને યુવકોની ઓળખ મહાવીર વરુ અને શ્યામ જાગદીયા તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. બંનેના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. યુવાનોના અચાનક મોતથી તેમના પરિવાર અને પરિચિતોમાં ભારે આઘાત જોવા મળ્યો છે.
આ ઘટનાને પગલે અકસ્માતના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બંને વાહનો કઈ ઝડપે આવી રહ્યા હતા, અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. અકાળે બે યુવાનોના મોતની ઘટનાથી જાફરાબાદ પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. માર્ગ પર સુરક્ષિત વાહનચાલન અને ઝડપ પર નિયંત્રણ રાખવાની જરૂરિયાતને લઈને પણ આ ઘટનાએ ફરી સવાલો ઊભા કર્યા છે.







































