રાજુલાની બરકાતી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૨૩૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે, એન્જિનિયર પ્રભાતભાઈ જોશી, સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરિફભાઈ જોખિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ૧૫ ઓગસ્ટ નિમિત્તે યોજાયેલી વકૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. વાવવામાં આવેલા દરેક વૃક્ષની જાળવણીની જવાબદારી જે વિદ્યાર્થીના નામે વૃક્ષ વાવવામાં આવ્યું છે તેને સોંપવામાં આવી છે. વિદ્યાર્થી શાળા છોડ્‌યા બાદ પણ વૃક્ષ પર તેનું નામ જાળવી રાખવામાં આવશે.