મોટી કુંકાવાવ ગામમાં ખુલ્લેઆમ થઈ રહેલા દેશી દારૂના ગેરકાયદેસર વેચાણને તાત્કાલિક અટકાવવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી છે. કુંકાવાવ/વડિયા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા નેહાબેન નિતીનભાઈ ગોંડલીયા દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓને કારણે ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ જોખમાઈ રહ્યું છે. દારૂના રવાડે ચડીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેમજ અસામાજિક તત્વોના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે.આ ઉપરાંત રાત્રિના સમયે મહિલાઓ અને દીકરીઓ માટે અસલામતી ઊભી થતી હોવાનું દર્શાવીને ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડીને જવાબદારો સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. અગાઉ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી અંકુશ ન આવતા બુટલેગરો નિર્ભય બન્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ રજૂઆતની એક નકલ વડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.