આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી પરપ્રાંતિય શ્રમિકો અને મુસાફરો પોતાના વતન જઈ પરિવારજનો સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં એસ.ટી. બસનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પગલે બગસરાથી ઉપડતી મોટાભાગની એસ.ટી. બસોમાં છેલ્લા ચાર દિવસથી મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બગસરા એસ.ટી. ડેપો દ્વારા વધારાની બસો દોડાવીને મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને ફતેપુરા, દાહોદ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ નજીકના વિસ્તારો તરફ જતી બસોમાં મુસાફરોનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો પોતાના પરિવારજનો અને બહેનો સાથે તહેવારની ઉજવણી કરવા માટે વતન તરફ જઈ રહ્યા છે. જેના કારણે બગસરા બસ ડેપો ખાતે પણ મુસાફરોની સતત અવરજવર જોવા મળી રહી છે.મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ડેપો તંત્ર દ્વારા મુસાફરોને અગવડ ન પડે તે માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. બગસરા ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. રાજકોટ અને સાવરકુંડલા તરફ પણ વધારાની બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.રક્ષાબંધનના પર્વે શ્રમિકો પોતાની બહેનો પાસે પહોંચી શકે અને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે એસ.ટી. ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, મુસાફરોની ભારે સંખ્યાને કારણે હાલ બગસરાથી ઉપડતી લગભગ તમામ બસો મુસાફરોથી ખીચોખીચ ભરાઈને દોડી રહી છે. તહેવાર દરમિયાન મુસાફરોની ભીડ યથાવત રહેવાની શક્યતા વચ્ચે એસ.ટી. તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ મુજબ વધુ બસો દોડાવવાની તૈયારી રાખવામાં આવી છે. હાલ તો બગસરા ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવતી હોવાથી ડેપોને આવક પણ સારી મળી રહી છે.