વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજનામાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૬ દરમિયાન રૂ.૩થી રૂ.૪ કરોડની ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોએ બોગસ જોબ કાર્ડ, શ્રમિકોના નામે ખોટી રીતે નાણાં ઉપાડવા અને તળાવના કામમાં મશીનનો ઉપયોગ કરવાના ગંભીર આક્ષેપ કર્યા છે. મામલો મીડિયા અહેવાલોમાં આવ્યા બાદ સાવલી ટીડીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ગ્રામજનોના આક્ષેપ મુજબ, ૩૦૦થી વધુ લોકોની જાણ બહાર તેમના નામે મનરેગાની રકમ ઉપાડવામાં આવી હોવાની શંકા છે. જોબ કાર્ડમાં સાચા શ્રમિકોના નામ રાખવામાં આવ્યા, પરંતુ ફોટોગ્રાફ અન્ય વ્યક્તિઓના લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. કામ કર્યા વિના કાગળ પર મજૂરી દર્શાવી રકમ ઉપાડવામાં આવી હોવાના પણ આક્ષેપ છે.
આક્ષેપ મુજબ, રાણીપુરામાં આ ગેરરીતિ કોઈ એક વર્ષ પૂરતી મર્યાદિત નથી. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ કામોના નામે આશરે રૂ.૩થી રૂ.૪ કરોડની રકમની ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મનરેગા હેઠળ સ્થાનિક શ્રમિકોને રોજગારી આપવાની હોય છે. જોકે, ગ્રામજનોનો આરોપ છે કે રાણીપુરામાં તળાવના ખોદકામમાં મજૂરોના બદલે જેસીબી અને હિટાચી જેવા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશરે ૬૦ ફૂટ સુધી તળાવનું ખોદકામ કરાયું હોવાનો દાવો છે. આ દરમિયાન નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.
મીડિયા અહેવાલ બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે. હાલ મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડ સહિતના દસ્તાવેજાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે.
ટીડીઓના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો કોઈ કર્મચારી, અધિકારી અથવા વચેટિયાની ગેરરીતિમાં સંડોવણી સામે આવશે તો તેમની સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસના અહેવાલ બાદ જ થશે.










































