ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગંભીર ગુનામાં આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે.
કલોલની સ્પેશિયલ પોક્સો તથા ત્રીજા સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જશીટ રજૂ થયાના માત્ર ૭૨ કલાકમાં સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ કરી આરોપીને તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી આજીવન સખત કેદની સજા કરવામાં આવી છે. સાથે જ આરોપીને રૂ. ૨ લાખનો દંડ તથા ભોગ બનનાર સગીરાને રૂ. ૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર અને આરોપી મળી આવ્યા બાદ માત્ર ૧૮ દિવસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા માત્ર ૭૨ કલાકમાં ટ્રાયલ પૂર્ણ કરી ચુકાદો આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગત ૨ જૂન ૨૦૨૬ના રોજ કલોલ તાલુકાના પાનસર ગામેથી ૧૫ વર્ષ ૮ મહિના ૬ દિવસની સગીરાનું આરોપી ભરતજી બચુજી ઠાકોર, ઉંમર ૪૨ વર્ષ, રહે. મોટી આદરજ, ગાંધીનગર, દ્વારા લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) અને ૮૭ હેઠળ ગુનો નોંધાયો હતો.
કલોલ તાલુકા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે. જે. ગઢવી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે આરોપી તથા ભોગ બનનારની શોધખોળ હાથ ધરી હતી અને તા. ૩ ઓગસ્ટે બંનેને શોધી કાઢવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું તેમજ તે ગર્ભવતી હોવાનું સામે આવતા ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨)(એમ), ૬૫(૧) તથા પોક્સો એક્ટની સંબંધિત કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
પોલીસે કોર્ટની મંજૂરી મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ડીએનએ તથા એફએસએલ રિપોર્ટ ઝડપથી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ડીએનએ રિપોર્ટ સહિતના મહત્વના પુરાવા પ્રાપ્ત થયા બાદ પોલીસે તપાસ પૂર્ણ કરી તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા કલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એમ. સરોદેના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી.
કોર્ટમાં સરકારી વકીલ જે. એચ. જાશીની રજૂઆતોને ધ્યાને લઈ સ્પેશિયલ પોક્સો તથા ત્રીજા સેશન્સ જજની કોર્ટ, કલોલ દ્વારા આરોપીને આજીવન સખત કેદ, રૂ. ૨ લાખ દંડ અને ભોગ બનનારને રૂ. ૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.










































