ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ગુજરાતની વિવિધ જેલોમાં પણ લાગણીસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, રાજકોટ મધ્યસ્થ જેલ અને વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં બહેનો પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈને રૂબરૂ મળવાની ક્ષણોમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણી છલકાતી જોવા મળી હતી.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ પરિસરમાં પહોંચવા લાગી હતી. જેલમાં બંધ ભાઈને રૂબરૂ મળીને બહેનોએ તેમના કાંડા પર રાખડી બાંધી હતી. આ દરમિયાન ભાઈ-બહેન વચ્ચે લાગણીસભર વાતચીતના દૃશ્યો પણ જાવા મળ્યા હતા. તહેવારના દિવસે પરિવારથી દૂર રહેલા કેદીઓ માટે આ મુલાકાત ખાસ બની હતી.
રક્ષાબંધનના આ પ્રસંગે ભાઈ અને બહેન વચ્ચેનો લાગણીસભર સંબંધ સ્પષ્ટ જોવા મળ્યો હતો. બહેનોએ પોતાના ભાઈના સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરી હતી, જ્યારે ભાઈઓએ પણ બહેનોને આશ્વાસન અને પ્રેમ આપ્યો હતો. જેલના નિયમો અને સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાયેલી આ મુલાકાતે તહેવારને વધુ ભાવુક બનાવી દીધો હતો.
અમદાવાદ ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધન નિમિત્તે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં આશરે ૨,૪૦૦ જેટલા કેદી ભાઈઓ બંધ હોવાનું જણાવાયું છે. તેમને રાખડી બાંધવા માટે બહેનોનો જમાવડો જાવા મળ્યો હતો. જેલ તંત્ર દ્વારા મુલાકાત માટે રજીસ્ટ્રેશન કાઉન્ટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી બહેનોને રાખડી બાંધવા માટે કોઈ મુશ્કેલી ન પડે. સુરક્ષા વ્યવસ્થા જાળવીને મુલાકાતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી દરમિયાન ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જેલમાં સજા ભોગવી રહેલા આશરે ૧,૭૦૦ કેદીઓમાંથી ૭૦૦ જેટલા કેદી ભાઈઓને તેમની બહેનોએ રૂબરૂ મળીને રાખડી બાંધી હોવાનું જણાવાયું છે. ભાઈ-બહેનની મુલાકાત દરમિયાન પરિવારની વાતો અને સુખ-દુઃખની ચર્ચા થતાં વાતાવરણ લાગણીસભર બની ગયું હતું.
વડોદરા સેન્ટ્રલ જેલમાં આ રક્ષાબંધનને વધુ ખાસ બનાવવા માટે કેદી ભાઈઓ તરફથી પણ બહેનોને ભેટ આપવામાં આવી હતી. કેદીઓએ સ્નેહના પ્રતિકરૂપે પોતાની બહેનોને તુલસીના છોડ ભેટ આપ્યા હતા. આ ભેટ દ્વારા ભાઈઓએ બહેનો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની સાથે પર્યાવરણ અને હરિયાળીનો સંદેશ પણ આપ્યો હતો.