રાજ્ય સરકાર એક તરફ શિક્ષણનું સ્તર સુધારવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે અને ‘પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા’ જેવા સૂત્રો સાથે શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાંથી સામે આવેલા આક્ષેપોએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.શાળામાં અભ્યાસ માટે આવતા માસૂમ બાળકોના હાથમાં પેન-પેન્સિલ અને પુસ્તકોની જગ્યાએ સાવરણા પકડાવી સફાઈ કામ કરાવવામાં આવતું હોવાનો વાલીઓ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.વાલીઓના જણાવ્યા અનુસાર, શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ પાસે મધ્યાહન ભોજન બાદ વાસણો અને ડિશો પણ ધોવડાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર થતી હોવાની સાથે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવે છે કે સફાઈ અને અન્ય કામ કરવા માટે, તેવો સવાલ વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.સમસ્યા માત્ર સફાઈ પૂરતી મર્યાદિત ન હોવાનો પણ આક્ષેપ છે. બાબરીયાધારની આ સરકારી શાળામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે પણ વિદ્યાર્થીઓએ ગંભીર ફરિયાદો કરી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ભોજન યોગ્ય ગુણવત્તાનું હોતું નથી અને ક્યારેક જમવામાંથી જીવાતો પણ નીકળતી હોવાની ફરિયાદ કરવામાંઆવી છે.આવા આક્ષેપો સાચા હોય તો તે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા સમાન છે. આ સમગ્ર મામલાની જાણ થતાં રોષે ભરાયેલા વાલીઓ, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. તેમણે શાળાના સંચાલન સામે ભારે હોબાળો મચાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ દરમિયાન શાળાના આચાર્ય મીડિયાના કેમેરાથી દૂર રહ્યા હતા અને સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.