સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા જયંતિવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુ રવિદાસ મહારાજે સમાજના પીડિત, વંચિત અને ઉપેક્ષિત લોકોને સન્માન, આત્મવિશ્વાસ અને જીવનનો ધ્યેય આપ્યો હતો. તેમણે સમરસતા અને સામાજિક સુધારાનો માર્ગ બતાવ્યો હતો. તા. ૨૯ જુલાઈના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ રાજ્યોની ટુકડીઓને જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા કળશ અર્પણ કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં આ પવિત્ર કળશનું આગેવાનો દ્વારા વાજતે-ગાજતે સ્વાગત કરી નાગદેવતા મંદિરમાં સ્થાપના અને પૂજન કરવામાં આવ્યું હતું. વર્ષભર ભજન, પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તથા કળશની ગામોગામ યાત્રા કાઢવામાં આવશે. આ અંગે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ અતુલભાઈ કાનાણીની અધ્યક્ષતામાં તથા સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આયોજન બેઠક યોજાઈ હતી.