મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામની ગૌચર જમીનમાં કથિત ગેરકાયદેસર ખનન અને માટી ચોરીના મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થયા બાદ ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી પ્રતીક શાહની બદલી કરી તેમને અમરેલી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. કડા ગામની ગૌચર જમીનમાં આશરે રૂ.૯૮ લાખનું ગેરકાયદેસર ખનન થયું હોવાનો આક્ષેપ રજૂઆત દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સમક્ષ મામલો રજૂ થયાના આશરે અડધા કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા ખાલી હતી અને રાજકોટના જે.આર. સાવનેર પાસે વધારાનો ચાર્જ હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અધિકારીની નિયમિત હાજરીના અભાવે રેતીચોરી સહિતની ફરિયાદોમાં વધારો થયો છે.








































