મહેસાણામાં ગૌચર જમીનમાં થયેલા કથિત ગેરકાયદેસર ખનન અને માટી ચોરીના મામલે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થયા બાદ મહેસાણાના ભૂસ્તર શાસ્ત્રી પ્રતીક શાહની બદલીનો નિર્ણય લેવાયો છે અને તેમને અમરેલી જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત થયાના આશરે અડધા કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામની ગૌચર જમીન સાથે જોડાયેલો છે. રજૂઆતમાં ગૌચર જમીનમાં કથિત રીતે ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ખનનની કિંમત આશરે રૂ.૯૮ લાખ હોવાનો દાવો રજૂઆત દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને મામલાની રજૂઆત થયા બાદ તેમણે કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી સમગ્ર બાબતની ગંભીર નોંધ લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ખાણ-ખનીજ વિભાગની કામગીરીમાં નિષ્કાળજીના આક્ષેપોને પગલે મુખ્યમંત્રી દ્વારા પ્રતીક શાહની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણાથી તેમની બદલી કરીને અમરેલી જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ તાત્કાલિક નિર્ણયને પગલે મહેસાણા અને ગાંધીનગરના વહીવટી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા આશરે બે વર્ષથી ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટના જે.આર. સાવનેર પાસે આ જગ્યાનો વધારાનો ચાર્જ હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, અધિકારીની નિયમિત હાજરી ન હોવાને કારણે ખાણ-ખનીજ સંબંધિત ફરિયાદો અને ખાસ કરીને રેતી ચોરીના બનાવોમાં વધારો થયો છે.
અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં રેતી ચોરીનો મુદ્દો પણ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. સ્થાનિક સ્તરે રેતીના ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવાની માગ ઉઠતી રહી છે. હવે મહેસાણાથી પ્રતીક શાહની અમરેલી બદલી થતાં આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને રેતી ચોરી સામે કડક કાર્યવાહી થશે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે.
ગુજરાત ખાણ સેવા સંવર્ગના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા પ્રતીક શાહ હવે અમરેલી જિલ્લામાં ફરજ સંભાળશે. મળતી માહિતી મુજબ તેઓ આગામી પાંચ દિવસમાં અમરેલી ખાતે હાજર થાય તેવી શક્યતા છે. હવે નવા અધિકારીની નિમણૂક બાદ અમરેલીમાં ખાસ કરીને શેત્રુંજી નદીમાં થતી કથિત રેતી ચોરી સામે કેવા પગલાં લેવામાં આવે છે અને મહેસાણાના કડા ગામના ગૌચર જમીન ખનન મામલે તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌની નજર રહેશે.