વર્ષ ૨૦૨૨માં એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સુખનાથ ચોકના તાર બંગલા પાછળ રહેતા એક ઈસમે એક સગીરાને રાત્રિના ત્રણ વાગ્યાના સમયે ઘરમાંથી અપહરણ કરી જઈને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હતું.
સગીરાની માતાની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી મહમદ અવેશ બલોચને ઝડપી પાડ્યો હતો. સમગ્ર કેસમાં જુનાગઢ કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે.
૭મી મે ૨૦૨૨ના દિવસે જુનાગઢ શહેરમાં રહેતા ફરિયાદી દ્વારા સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા આરોપી મહમદ અવેશ બલોચ નામના ઈસમે સગીરાને રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તેના જ ઘરેથી અપહરણ કરી લઈ જઈને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે જાતીય દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.
ફરિયાદના આધારે પોલીસે આરોપી મહંમદ અવેશની અટકાયત કરીને તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ચાર વર્ષ સુધી ન્યાયાલયમાં ચાલેલા સમગ્ર મામલામાં છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ અમિત રાણાએ ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના દિવસે ચુકાદો આપતા આરોપી મહમદ અવેશ બલોચને દુષ્કર્મના કેસમાં દસ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
જાતીય દુષ્કર્મના કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ચાર વર્ષમાં અલગ અલગ દિવસો દરમિયાન ૧૪ સાક્ષી અને ૪૬ જેટલા પુરાવાઓને તબક્કાવાર તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીથી લઈને અન્ય આસપાસના વ્યક્તિઓ અને કિશોરીનું મેડિકલ તપાસ કરનાર તબીબોની સાથે પંચ સહિત સ્થળ પરથી મળેલા અને ફોરેન્સીક લેબોરેટરીની સાથે ભોગ બનનાર કિશોરીના કપડાં સહિત અન્ય કેટલાક તાર્કિક પુરાવાઓ મળીને ૪૬ જેટલા દસ્તાવેજા કોર્ટે સમગ્ર કેસની સુનાવણી દરમિયાન ધ્યાન પર લીધા હતા, અને અંતે આરોપી મહમદ અવેશ બલોચે કિશોરી પર જાતીય દુષ્કર્મ આચર્યુ હોવાનું સાબિત થતાં કોર્ટે આરોપીને સજા ફટકારી હતી.
ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩(૧) હેઠળ ૭ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦,૦૦૦/- દંડ, પોસ્કો એકટ, ૨૦૧૨ની કલમ ૪ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૧૦,૦૦૦નો દંડ,પોસ્કો એકટ ૨૦૧૨ની કલમ ૮ હેઠળ ૩ વર્ષની સખત કેદ તથા રૂ.૫,૦૦૦નો દંડ, પોસ્કો એકટ ૨૦૧૨ની કલમ ૧૨ હેઠળ ૧ વર્ષની સખત કેદ તથા રૂ.૨,૦૦૦ના દંડની સજા ફટકારવામાં આવી છે.








































