વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય વિદ્યાર્થીના આપઘાતની ઘટનાસામે આવતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થી એક બેંક મેનેજરનો એકનો એક પુત્ર હતો. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાપોદ પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ પર પંડિત દીનદયાલ હોલ નજીક આવેલી સાઈંકૃપા રેસિડેન્સીમાં બિનોદકુમાર ગુપ્તા પરિવાર સાથે રહે છે અને બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમનો ૧૮ વર્ષીય પુત્ર ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પરિવારના એકના એક પુત્રના અચાનક મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી અગાઉની રાત્રે ટીવી જોયા બાદ પોતાના રૂમમાં ગયો હતો. સવારે પરિવારજનો દ્વારા તેને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં પરિવારજનોને શંકા ગઈ હતી. ત્યારબાદ રૂમમાં તપાસ કરતાં વિદ્યાર્થી ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો દ્વારા તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ મથકના એએસઆઈ હર્ષિતભાઈ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, વિદ્યાર્થીને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ૭૪ ટકા મળ્યા હતા. પરિણામ બાદ કરિયર અને ભવિષ્યને લઈને તે ચિંતામાં હતો કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ કરિયરની ચિંતાને ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યં છે, પરંતુ ચોક્કસ કારણ અંગે સત્તાવાર નિષ્કર્ષ તપાસ બાદ જ સામે આવશે.
આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીના પરિવારજનો, પરિચિતો અને ઘટનાક્રમ અંગેની અન્ય વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ ઘટનાની સમગ્ર હકીકત સ્પષ્ટ થવાની શક્યતા છે.
ધોરણ-૧૨ અને ત્યારબાદના અભ્યાસ-કરિયરને લઈને વિદ્યાર્થીઓ પર ઘણી વખત માનસિક દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં પરિવારજનો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત કરી તેમની ચિંતાઓ સમજવી અને જરૂરી સહારો આપવો મહત્વપૂર્ણ છે. એક પરીક્ષાનું પરિણામ કે કરિયરની કોઈ એક પસંદગી જીવનનું અંતિમ માપદંડ નથી.